(મયુર જાની)
કાલોલ શહેરના કોલેજ વિસ્તાર પાછળ આવેલી પંચમહાલ સ્ટીલ કંપની તરફ જતી જેટકોની જૂની ડેડ લાઈનને વૃક્ષ સાથે બાંધવાની ઘોર બેદરકારી સામે આવી છે. ગત મહિને ભારે વરસાદના કારણે એમ.જી.વી.સી.એલ. અને જેટકોની વીજલાઈન વચ્ચે ફોલ્ટ સર્જાતાં બંને લાઈનો તૂટી પડી હતી. તે સમયે સમારકામ અર્થે આવેલી જેટકોની ટીમે ક્ષતિગ્રસ્ત ડેડ લાઈનના ખુલ્લા વીજવાયરોને એક ખેતરમાં આવેલા વૃક્ષ સાથે બાંધી દીધા હતા. એક મહિનો વીતી જવા છતાં આ પરિસ્થિતિ જૈસે થે ની સ્થિતિમાં રહેતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જી.આઈ.ડી.સી.ની ડેડ લાઈન અને એમ.જી.વી.સી.એલ.ની સક્રિય વીજલાઈન ક્રોસ થતી હોવાથી વાવાઝોડા કે વરસાદ વખતે બંને લાઈનો સ્પર્શે ત્યારે ડેડ લાઈન ચાલુ થઈ જાય છે. તેને લઈને ગત અઠવાડિયે જ ઝાડ સાથે બાંધેલા ખુલ્લા વીજવાયરના સંપર્કમાં આવવાથી એક શ્વાનનું કરૂણ મોત નીપજ્યું હતું.
સ્થાનિક ખેડૂત સુરેશચંદ્ર મણીલાલ પટેલના ખેતરમાં આ વાયરો બાંધેલા છે, જ્યાં નજીકમાં જ પશુઓનો તબેલો આવેલો છે. ચોમાસાની ઋતુમાં ભેજ અને પાણીના કારણે અહીં ગમે ત્યારે મોટી હોનારત સર્જાવાનો ભય છે. આ અંગે ખેડૂતો દ્વારા જેટકોના સંબંધિત અધિકારીઓને અવારનવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે ગ્રામજનો અને ખેડૂતોની માંગ છે કે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં તંત્ર તાત્કાલિક નિંદ્રા માંથી જાગે અને આ ખુલ્લા વીજવાયરોનું યોગ્ય નિવારણ લાવે.
