પંચમહાલ જિલ્લામાં આગામી ગણેશોત્સવ પર્વની શાંતિપૂર્ણ, સુરક્ષિત અને ધામધૂમથી ઉજવણી થાય તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે. પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ ગણેશ સ્થાપના, પૂજા-આરતી, આગમન તેમજ વિસર્જન સરઘસ દરમિયાન ડી.જે., સાઉન્ડ સ્પીકર, લેઝર લાઈટ અને ડિસ્કો લાઈટના ઉપયોગ અંગે પ્રતિબંધાત્મક હુકમો ફરમાવવામાં આવ્યા છે.
જે અન્વયે કોઈપણ સ્થળે ડી.જે.ના સ્પીકની સંખ્યા ૧૦ (દસ) થી વધારે હોવી જોઈએ નહીં. ડિસ્કો કે લેઝર લાઈટના કારણે વૃદ્ધો અને બાળકોની આંખોને નુકસાન થવાની સંભાવના રહે છે, તેમજ ‘નેત્રમ યોજના’ હેઠળ લગાવાયેલા સીસીટીવી કેમેરાઓને પણ નુકસાન પહોંચી શકે છે. આથી સમગ્ર વરઘોડા અને ઉત્સવ દરમિયાન લેઝર તથા ડિસ્કો લાઈટના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ડી.જે. પર પ્રેસર મીડ લગાવી 70 DB થી વધુ તીવ્ર અવાજ પેદા કરવા પર પ્રતિબંધ છે, કારણ કે તેનાથી નાગરિકોના કાન અને હાર્ટબીટ પર વિપરીત અસર પડે છે.
અવાજની તીવ્રતાની મર્યાદા (ડેસિબલ નિયમો) અનુસાર રેસિડેન્શિયલ (રહેણાંક) વિસ્તાર માટે દિવસ દરમિયાન વધુમાં વધુ 55 DB અને રાત્રે (રાત્રે ૧૦:૦૦ થી સવારે ૬:૦૦ સુધી) વધુમાં વધુ 45 DB અવાજ રાખવો. કોમર્શિયલ (વ્યાપારિક) વિસ્તાર માટે દિવસ દરમિયાન વધુમાં વધુ 65 DB અને રાત્રે (રાત્રે ૧૦:૦૦ થી સવારે ૬:૦૦) વધુમાં વધુ 55 DB અવાજ રાખવોનો રહેશે.વધુમાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા તેમજ ‘ધી નોઈઝ પોલ્યુશન કંટ્રોલ રૂલ્સ’ અને ‘ધી એન્વાયરન્મેન્ટ પ્રોટેક્શન એક્ટ-૧૯૮૬’ ના કાયદાકીય જોગવાઈઓનું અક્ષરશઃ પાલન કરવાનું રહેશે. તદુપરાંત ગણેશ વિસર્જનના રૂટ માટે સમયમર્યાદામાં એડવાન્સ પરમિશન (પૂર્વ મંજૂરી) મેળવવાની રહેશે.
આ જાહેરનામું તા. ૨૫/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
