વડોદરા ગ્રામ્યમાં મિલકત સંબંધી ગુનાઓને અંજામ આપતી ટોળકી સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વાઘોડિયા પોલીસે સોલાર પ્લાન્ટમાંથી કોપરના વાયર ચોરી કરતી ટોળકીના ચાર સભ્યોને ઝડપી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ચાલી રહેલા ‘ઓપરેશન પરાક્રમ’ અંતર્ગત અનડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને વોચ વધારવામાં આવી હતી.
દરમિયાન વાઘોડિયા પોલીસને બાતમી મળી હતી કે, સફેદ રંગની ઈકો ગાડી અને કાળા રંગની એક્ટિવા પર કેટલાક શંકાસ્પદ ઈસમો સોલાર પેનલના કોપરના વાયરનો જથ્થો લઈને વડોદરાથી આજવા-અતાપી થઈ હાલોલ તરફ જઈ રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે રવાલ ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી ઈકો ગાડીને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. ગાડીમાંથી ત્રણ મીનીયા થેલામાં સોલાર પેનલના કોપરના વાયર મળી આવતા પોલીસને શંકા વધુ ઘેરી બની હતી.
પોલીસે પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ નહીં મળતા ચારેય શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પોલીસ તપાસમાં આરોપીઓએ કછોટા ગામ પાછળ આવેલા સોલાર પ્લાન્ટમાંથી રાત્રિના સમયે કોપરના વાયર ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી પણ ચોંકાવનારી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ સૌપ્રથમ Google Map પર સોલાર પ્લાન્ટના લોકેશન સર્ચ કરી જગ્યા ટેગ કરતા અને વેરીફાઈ કર્યા બાદ રાત્રિના સમયે વાહનો સાથે ચોરી કરવા જતા હતા.
વાઘોડિયા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી મોટી માત્રામાં ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે શું શું કબજે કર્યું?
- 400 કિલો સોલાર કંપનીના કોપરના વાયર, કિંમત આશરે રૂ.7.50 લાખ
- મારુતિ સુઝુકી ઈકો ગાડી, કિંમત આશરે રૂ.3.40 લાખ
- એક્ટિવા, કિંમત આશરે રૂ.70 હજાર
- ચાર મોબાઇલ ફોન, કિંમત આશરે રૂ.1 લાખ
- કટર નંગ-5 તથા પકડ, કિંમત આશરે રૂ.300
આમ પોલીસે કુલ રૂ.12.60 લાખની આસપાસનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઝડપાયેલા આરોપીઓમાં શૈલેષભાઈ અરવિંદભાઈ તડવી, જયેશભાઈ ઉર્ફે સંજય ભુરાભાઈ સોલંકી, અરૂણકુમાર કલ્પેશભાઈ નાયક અને સુનીલકુમાર મધુભાઈ જાદવનો સમાવેશ થાય છે.
આ પૈકી જયેશભાઈ ઉર્ફે સંજય સોલંકીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ પોલીસ તપાસમાં સામે આવ્યો છે.
વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સોલાર પ્લાન્ટમાંથી કોપરના વાયર ચોરીના ગુનામાં ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આ ટોળકી દ્વારા અન્ય કોઈ ચોરીના બનાવોને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ શરૂ કરી છે.
સોલાર પ્લાન્ટને ટાર્ગેટ કરી, Google Mapથી લોકેશન શોધી અને રાત્રિના અંધારામાં ચોરી કરતી ટોળકી આખરે વાઘોડિયા પોલીસના હાથે ઝડપાઈ છે.
