પ્રતિનિધિ : વનરાજસિંહ ખાંટ, માલપુર
અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રીંછવાડ ગામની સીમમાં યુવકની હત્યાના ચકચારી બનાવનો ભેદ જિલ્લા એલસીબી અને માલપુર પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, તા. 25 જુલાઈના રોજ રીંછવાડ ગામની સીમમાં તળાવ નજીક આવેલા માર્ગ પરથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન મૃતકની ઓળખ ઝાલોદર ગામના નરેશભાઈ મસુરભાઈ ખાંટ તરીકે થઈ હતી. આ અંગે માલપુર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા એલસીબી અને માલપુર પોલીસની સંયુક્ત ટીમોએ હ્યુમન સોર્સ તેમજ ટેક્નિકલ તપાસના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. તપાસ દરમિયાન રમણભાઈ સોમાભાઈ ખાંટ (રહે. મોરડુંગરી, તા. માલપુર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે મૃતક નરેશભાઈ વારંવાર તેને ગાળો બોલતો હોવાથી મનદુઃખ રાખી તેણે કુહાડી વડે માથાના પાછળના ભાગે હુમલો કર્યો હતો. ત્યારબાદ શર્ટ વડે ગળું દબાવી તેની હત્યા કરી હતી. ગુનાને અકસ્માત અથવા અન્ય ઘટનાનું સ્વરૂપ આપવા માટે આરોપીએ મૃતદેહને રીંછવાડ ગામની સીમમાં તળાવ પાસે આવેલા માર્ગ પર મૂકી દીધો હતો.
આરોપીની કબૂલાત અને અન્ય પુરાવાના આધારે પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ જેલ હવાલે કર્યો છે. સમગ્ર કાર્યવાહી જિલ્લા એલસીબી અને માલપુર પોલીસની સંયુક્ત કામગીરીથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
