(પ્રતિનિધિ, વનરાજસિંહ ખાંટ, માલપુર)
મોડાસા તાલુકાના પવિત્ર દેવરાજધામ ખાતે ગુરુપૂર્ણિમાનો પાવન મહોત્સવ ભક્તિભાવ અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ભવ્ય રીતે ઉજવાયો હતો. ગુરુપૂર્ણિમાના અવસરે દેવરાજધામ ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી સંતો, મહંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગુરુદેવના દર્શન માટે ઉમટી પડ્યા હતા.
મહોત્સવ પ્રસંગે મહંત શ્રી ધનગીરી બાપુ તેમજ લઘુબંધુ મહંત શ્રી મહેશગિરી બાપુના સાનિધ્યમાં ગુરુદેવની પાદુકાનું પૂજન, ગુરુપૂજન, આરતી, ભજન-કીર્તન, સત્સંગ અને આશીર્વચન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે સંત-મહંતોએ ગુરુના મહિમાનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, “ગુરુ એ જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને સદ્માર્ગનો પ્રકાશ આપનાર માર્ગદર્શક છે. ગુરુના આશીર્વાદ અને માર્ગદર્શનથી મનુષ્ય જીવનને સાચી દિશા મળે છે.”
ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ભક્તોએ ગુરુદેવના ચરણોમાં શ્રદ્ધા અર્પણ કરી પરિવારના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર દેવરાજધામ પરિસર દિવસભર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.
મહોત્સવને લઈને આયોજકો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો. સેવાભાવી કાર્યકરોની મહેનત અને સુચારુ આયોજનના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો.
ગુરુપૂર્ણિમાના આ પાવન પ્રસંગે વિવિધ ક્ષેત્રોના આગેવાનો, મહાનુભાવો અને આસપાસના ગામોના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
