(નવી દિલ્હી)
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વડાપ્રધાનની ભલામણના આધારે સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે. રાજીનામા બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને તેમના હાલના વિભાગો ઉપરાંત શિક્ષણ મંત્રાલયનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.
તાજેતરમાં શિક્ષણ સંબંધિત મુદ્દે ઊભા થયેલા વિરોધ અને રાજકીય દબાણ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું અને નવી વહીવટી વ્યવસ્થા હેઠળ પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
પ્રહલાદ જોશી હાલમાં ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, ગ્રાહક બાબતો મંત્રાલય તેમજ ઊર્જા મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા છે. હવે તેઓ આ તમામ વિભાગોની સાથે શિક્ષણ મંત્રાલયનું પણ સંચાલન કરશે.
રાજીનામા બાદ ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, “રાષ્ટ્રસેવા મારા જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.” તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોતાના સંદેશમાં લખ્યું હતું કે છેલ્લા ચાર દાયકાથી તેઓ વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણ સુધારણા માટે સતત કાર્યરત રહ્યા છે. દેશના યુવાનોની આશાઓ અને તેમની વાજબી અપેક્ષાઓ પ્રત્યે તેઓ હંમેશા પ્રતિબદ્ધ રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ તેમના નિવાસસ્થાને ભાજપ અને એનડીએના અનેક વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, પૂર્વ સાંસદ રમેશ બિધૂરી, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેમજ કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ સહિતના અગ્રણીઓએ તેમની મુલાકાત લઈ શુભેચ્છા વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન અને જાહેર જીવનમાં દાયકાઓથી આપેલી સેવાઓ દેશ માટે નોંધપાત્ર રહી છે. તેમણે કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાને વિદ્યાર્થીઓની આશાઓને કેન્દ્રમાં રાખીને જવાબદારીઓનું નિષ્ઠાપૂર્વક નિર્વહન કર્યું છે.
કેન્દ્રીય મંત્રીમંડળમાં થયેલા આ ફેરફાર બાદ હવે શિક્ષણ મંત્રાલયની આગામી કામગીરી અને નવી નીતિઓ પર સૌની નજર રહેશે.
