કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, UAPA હેઠળ IRFને ગેરકાયદેસર સંગઠન જાહેર કરવાનો આદેશ યથાવત્
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વોન્ટેડ ભારતીય ધાર્મિક ઉપદેશક ઝાકિર નાઈકની સંસ્થા ‘ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન’ (IRF) પરનો પ્રતિબંધ વધુ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ લેવાયેલા આ નિર્ણય પાછળ સરકારે સાંપ્રદાયિક સૌહાર્દને નુકસાન પહોંચાડવા અને દેશના બિનસાંપ્રદાયિક માળખાને નબળું પાડવાના આક્ષેપો રજૂ કર્યા છે.
ગૃહ મંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા જાહેરનામા અનુસાર, ઝાકિર નાઈક અને તેની સંસ્થાના અન્ય સભ્યો પર સમાજમાં અશાંતિ અને નફરત ફેલાવવાના પ્રયાસો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મંત્રાલયે એવો પણ દાવો કર્યો છે કે નાઈકનાં ભાષણો અને નિવેદનો યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત કરી શકે છે.
ગૃહ મંત્રાલયે UAPAની કલમ 3 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને IRFને ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે. આ જાહેરનામું સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી આગામી પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે.
ઝાકિર નાઈક સામે અનેક આરોપો
ઉલ્લેખનીય છે કે ઝાકિર નાઈક સામે ભારતમાં નફરત ફેલાવતા ભાષણો આપવા અને સાંપ્રદાયિક વૈમનસ્ય ઊભું કરવાના આરોપો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા પણ તેની સામે UAPA સહિતની વિવિધ કાયદાકીય જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ઝાકિર નાઈક વર્ષ 2016થી મલેશિયામાં રહે છે. ભારત સરકારે તેના પ્રત્યાર્પણ માટે મલેશિયા સમક્ષ માંગ કરી હતી, જોકે આ માંગ સ્વીકારવામાં આવી નથી.
બાંગ્લાદેશમાં પણ વિવાદોમાં રહ્યો છે
જુલાઈ 2016માં બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હોલી આર્ટિઝન બેકરી પર થયેલા આતંકવાદી હુમલા બાદ તત્કાલીન વડાપ્રધાન શેખ હસીના સરકારે ઝાકિર નાઈક પર પ્રતિબંધ મૂક્યો હતો. તેની પીસ ટીવી ચેનલ અને સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા સાંપ્રદાયિક અસંતોષ ફેલાવવાના આક્ષેપો પણ થયા હતા.
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી આગામી પાંચ વર્ષ સુધી ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પરનો પ્રતિબંધ યથાવત્ રહેશે.
