વલસાડ : વલસાડ જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે ચોક્કસ બાતમીના આધારે વટાર વિસ્તારમાં વોચ ગોઠવી એક્ટિવા મોપેડ પર ગાંજાનો જથ્થો લઈ જઈ રહેલા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસની તપાસમાં તેની પાસેથી 1.091 કિલોગ્રામ ગાંજો મળી આવતાં પોલીસે ગાંજો, વાહન, રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂ.38.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, LCBના ASIને વટાર વિસ્તારમાં માદક પદાર્થની હેરાફેરી થવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે LCBની ટીમે કેશવ કોલોનીની વાડી સામે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક્ટિવા મોપેડને અટકાવી ચાલકની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચાલકની ઓળખ હિતેશ ઉર્ફે સોનુ ઇન્દ્રરાજ મુન્સીયાદવ તરીકે થઈ હતી.
પોલીસે તેની પાસે રહેલી બેગની તપાસ કરતાં તેમાંથી સફેદ પાવડર જેવો પદાર્થ ભરેલી કોથળી મળી આવી હતી. શંકાસ્પદ પદાર્થની ખરાઈ કરવા FSLની મદદથી પરીક્ષણ કરાવવામાં આવતાં તે ગાંજો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે 1.091 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો, જેની કિંમત રૂ.38.18 લાખ હોવાનું જણાવાયું છે.
ગાંજાના જથ્થા ઉપરાંત પોલીસે હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી એક્ટિવા મોપેડ, રૂ.20,010 રોકડા અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો. આમ, ગાંજો, વાહન, રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂ.38.98 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી હિતેશ ઉર્ફે સોનુ યાદવને વધુ કાયદેસરની કાર્યવાહી માટે વાપી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો હતો.
ગાંજાનો સપ્લાયર ‘સૂરજ’ પોલીસના રડારમાં
આ મામલે પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન હિતેશે ‘સૂરજ’ નામના શખ્સના કહેવાથી વટારના ચાર્મિ કાંટા નજીકથી ગાંજાનો જથ્થો મેળવ્યો હોવાનું જણાવ્યું હોવાની માહિતી સામે આવી છે. આ જથ્થો અન્ય વ્યક્તિને પહોંચાડવા માટે તે નીકળ્યો હતો ત્યારે LCBની ટીમે તેને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં ગાંજાનો જથ્થો પૂરો પાડનાર હોવાનું જણાવાતા ‘સૂરજ’ ઉપરાંત સુરતના એક શખ્સ સહિત અન્ય સંભવિત સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેનો મુખ્ય સપ્લાયર કોણ છે, કોને પહોંચાડવાનો હતો અને આ નશાના કારોબારમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે સહિતની કડીઓ મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એક્ટિવા મારફતે થતી ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થતાં જિલ્લામાં નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
