ગાંધીનગર : સરકારી ખરીદીની પ્રક્રિયાને વધુ પારદર્શક, નિયમબદ્ધ અને જવાબદારીપૂર્ણ બનાવવા માટે ગુજરાત રાજ્ય સતર્કતા આયોગ અને ઉદ્યોગ કમિશનરેટ દ્વારા ગાંધીનગર ખાતે ‘સરકારી ખરીદીમાં અટકાયતી સતર્કતા’ વિષય પર રાજ્યકક્ષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સતર્કતા જાગૃતિ સપ્તાહ-2026 અંતર્ગત યોજાયેલી આ કાર્યશાળાની મુખ્ય થીમ ‘સમૃદ્ધિ માટે પ્રામાણિકતા’ રાખવામાં આવી હતી.
સરકારી ખરીદીની પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય, નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને વહીવટી જવાબદારી સુનિશ્ચિત બને તે હેતુથી યોજાયેલી આ કાર્યશાળામાં વરિષ્ઠ વહીવટી અધિકારીઓ, વિવિધ વિભાગોના વડાઓ, બોર્ડ-નિગમોના વડાઓ તેમજ વર્ગ-1 અને વર્ગ-2ના ખરીદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યશાળામાં આધુનિક સરકારી ખરીદી વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM)નો ચીજવસ્તુઓની ખરીદી માટે અસરકારક ઉપયોગ, ઈ-ટેન્ડરિંગની નિર્ધારિત મર્યાદાઓનું પાલન, ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત સ્થાનિક કન્ટેન્ટની યોગ્ય ચકાસણી તેમજ ખરીદી પ્રક્રિયામાં બિનજરૂરી રીતે જથ્થાનું વિભાજન કે અસંબંધિત વસ્તુઓનું બંડલિંગ ટાળવા અંગે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અટકાયતી સતર્કતા પર વિશેષ ભાર
કાર્યશાળામાં ભૂતકાળમાં થયેલી ભૂલોની તપાસ કરવા ઉપરાંત ભવિષ્યમાં આવી ભૂલો અને ગેરરીતિઓ ન થાય તે માટે અટકાયતી સતર્કતા (Preventive Vigilance) પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. GeM પ્લેટફોર્મની બહારથી ચીજવસ્તુઓની ખરીદી માટે સુવ્યવસ્થિત NOC પ્રક્રિયા, વિકેન્દ્રિત ખરીદી પ્રોટોકોલ અને ખરીદીની પ્રક્રિયામાં નિયમબદ્ધતા જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત વહીવટી વિલંબ ઘટાડવા અને ઓડિટ દરમિયાન ઊભા થતા વાંધાઓનું નિવારણ લાવવા માટે સેન્ટ્રલ સ્ટોર્સ પર્ચેસ ઓર્ગેનાઇઝેશન (CSPO) તથા GeM પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ્સ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી તકનીકી સહાય વ્યવસ્થાની ભૂમિકા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી ખરીદીની દરેક પ્રક્રિયામાં પારદર્શિતા, નિયમોનું પાલન અને જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો. અટકાયતી સતર્કતાના અભિગમથી સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થાય અને ખરીદી પ્રક્રિયામાં સંભવિત ગેરરીતિઓને શરૂઆતના તબક્કે જ અટકાવી શકાય તે દિશામાં અધિકારીઓને જાગૃત કરવામાં આવ્યા હતા.
