૧૦૦ દીવડાં પ્રગટાવી બોર્ડના વિદ્યાર્થીઓના ૧૦૦ ટકા પરિણામનો સંકલ્પ કરાયો; માતા-દીકરી અને પિતા-દીકરી સંમેલનમાં વાલીઓએ દીકરીઓને શિક્ષિત કરવાનો લીધો સંકલ્પ
અવધ એક્સપ્રેસ | ઘોઘંબા
ઘોઘંબા તાલુકાના ઘનેશ્વર ખાતે આવેલી પીએમશ્રી મોડેલ સ્કૂલમાં તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના શુક્રવારના રોજ દિવાળી પર્વની ઉજવણી સાથે એસ.એમ.સી. બેઠક, વાલી સંમેલન તેમજ માતા-દીકરી અને પિતા-દીકરી સંમેલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ, વાલી સહભાગિતા અને દીકરીઓના સશક્તિકરણના ઉમદા સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળા પરિવાર, વાલીઓ, મહેમાનો અને એસ.એમ.સી. સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને અનુરૂપ પ્રાર્થના યોજાઈ હતી. ઉપસ્થિત મહેમાનો, વાલીઓ અને એસ.એમ.સી. સભ્યોનું શાળાના આચાર્યશ્રી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને દર વર્ષે ૧૦૦ ટકા પરિણામ મેળવવાના સંકલ્પ સાથે ૧૦૦ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. દિવાળી પર્વનું મહત્ત્વ સમજાવતું પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ દીકરીઓના શિક્ષણ, સશક્તિકરણ અને ઉજ્જવળ ભવિષ્યના હેતુથી યોજાયેલું માતા-દીકરી તથા પિતા-દીકરી સંમેલન રહ્યું હતું. જેમાં માતા-દીકરીના નિઃસ્વાર્થ પ્રેમ અને પિતા-દીકરીના અતૂટ વિશ્વાસને ઉજાગર કરતી વિવિધ પ્રવૃત્તિઓ, સંવાદ અને સન્માન સમારોહ યોજવામાં આવ્યા હતા. દીકરીઓનાં સપનાં સાકાર થાય અને તેઓ શિક્ષણના માધ્યમથી આત્મનિર્ભર બને તે માટે વાલીઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત માતા-પિતાએ ‘હું મારી દીકરીને શિક્ષિત કરીશ‘ તેવી પ્રતિજ્ઞા લઈ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત એસ.એમ.સી. બેઠક અને વાલી સંમેલનમાં પ્રથમ સત્રના શૈક્ષણિક મૂલ્યાંકનની સમીક્ષા કરવામાં આવી હતી. બીજા સત્રના શૈક્ષણિક આયોજન, વેકેશન દરમિયાન આપવામાં આવનાર ગૃહકાર્ય, શૈક્ષણિક પ્રવાસ તેમજ બોર્ડની પરીક્ષાની તૈયારી સહિતના મહત્ત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વાલીઓએ પણ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ અને ગુણવત્તાસભર શિક્ષણ અંગે પોતાના સૂચનો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા.
કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય, શિક્ષકગણ, વાલીઓ, વિદ્યાર્થીઓ અને એસ.એમ.સી. સભ્યો સહિત સમગ્ર શાળા પરિવારે સાથે મળીને પ્રીતિભોજનનો આનંદ માણ્યો હતો.
આમ, દિવાળીના પ્રકાશપર્વની ઉજવણી સાથે શિક્ષણ, સંસ્કાર, વાલી સહભાગિતા અને દીકરીઓના સશક્તિકરણનો ઉમદા સંદેશ આપતો આ કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.
‘દીકરી માત્ર પરિવારનું ગૌરવ જ નહીં, પરંતુ સમાજનું ઉજ્જવળ ભવિષ્ય છે.‘
