અવધ એક્સપ્રેસ | વડોદરા
વડોદરાની દિવાળીપુરા કોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસમાં મહત્વનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. કોર્ટે આરોપી જીલ અશોકકુમાર બારોટને એક વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ ફરિયાદી બંકિમભાઈ મગનભાઈ પટેલને રૂ. ૨૮ લાખની રકમ વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદી બંકિમભાઈ પટેલના પત્ની અને આરોપીની માતા વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હોવાથી બંને પરિવારો વચ્ચે સારા પારિવારિક સંબંધો હતા. આ દરમિયાન આરોપીએ ધંધાકીય જરૂરિયાત માટે નાણાંની માંગણી કરતાં ફરિયાદીએ વર્ષ ૨૦૨૩ દરમિયાન ટુકડે-ટુકડે કુલ રૂ. ૨૮ લાખ હાથઉછીના આપ્યા હતા. આ રકમની વ્યવસ્થા ફરિયાદીના પત્નીની નોકરીની આવક તથા સોનું વેચીને કરવામાં આવી હોવાનું ફરિયાદ પક્ષે કોર્ટમાં રજૂ કર્યું હતું.
આપેલી રકમ પરત ચૂકવવા માટે આરોપીએ ફરિયાદીને કુલ આઠ ચેક આપ્યા હતા. જોકે, આ તમામ ચેક બેંકમાંથી પરત ફરતાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ ફરિયાદી બંકિમભાઈ પટેલે વડોદરાના એડવોકેટ એન. જી. ખાનજાદા મારફતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ કાયદેસરની ફરિયાદ દાખલ કરી હતી.
કોર્ટની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષના વકીલ એન. જી. ખાનજાદાએ ફરિયાદીની આર્થિક સક્ષમતા દર્શાવતા દસ્તાવેજો તથા અન્ય પુરાવા રજૂ કર્યા હતા. બંને પક્ષોની રજૂઆતો અને કેસના પુરાવાઓને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપીને એક વર્ષની સખત કેદની સજા ફટકારી અને રૂ. ૨૮ લાખની રકમ વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો હતો.
જાહેર જનતા માટે સંદેશ:
આ ચુકાદાનો મુખ્ય ઉદ્દેશ જાહેર જનતામાં કાનૂની જ્ઞાનનો વ્યાપ વધારવાનો અને આર્થિક વ્યવહારોમાં પોતાના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. નાણાકીય લેણદેણમાં ચેક આપવો કે લેવો એ માત્ર કાગળનો ટુકડો નથી પરંતુ એક મોટી કાનૂની જવાબદારી છે, જેનો ભંગ કરનારને જેલની હવા ખાવી પડી શકે છે તે આ ચુકાદાથી સાબિત થાય છે.
