કાજર બારીયા (છોટાઉદેપુર)
અવધ એક્સપ્રેસ, તા.૧૩
છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર-૪ ની એક બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રજનીબેન રાઠવાએ જીત મેળવી છે. રજનીબેન રાઠવા ૭૫૨ મતની લીડથી વિજેતા જાહેર થતાં ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર-૪ ની પેટાચૂંટણીના પરિણામમાં ભાજપના ઉમેદવાર રજનીબેન રાઠવાએ વિજય મેળવ્યો છે.
મત ગણતરીના પરિણામ મુજબ, ભાજપનાં ઉમેદવાર રજનીબેન રાઠવાને ૧૧૦૮ મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને ૩૫૬ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને ૩૨૬ મત મળ્યા હતા.રજનીબેન રાઠવા ૭૫૨ મતની લીડથી વિજેતા બન્યાં હતાં. વિજય બાદ રજનીબેન રાઠવાએ મતદારોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જનતાએ પોતાના પવિત્ર અને અમૂલ્ય મતથી તેમને વિજેતા બનાવ્યાં છે. સૌનો સાથ અને સૌના વિકાસના સૂત્ર સાથે તેઓ આગળ વધશે તેમ પણ જણાવ્યું હતું. બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ આ જીત અંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રજનીબેન રાઠવાને જંગી બહુમતીથી વિજય અપાવીને લોકોએ ભાજપના વિકાસનાં કામો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ સાથે જ તેમણે વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને લઈને પણ નિવેદન આપ્યું હતું. પેટાચૂંટણીમાં વિજયની ઉજવણી દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, સાંસદ જશુભાઈ રાઠવા, વિજેતા ઉમેદવાર રજનીબેન રાઠવા, નારણ રાઠવા સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જીતની ખુશીમાં ભાજપના કાર્યકરો ટીમલીના તાલે ઝૂમી ઊઠ્યા હતા.
