દેશના યુવાનોને આધુનિક કૌશલ્ય સાથે રોજગારલક્ષી તાલીમ આપવા કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયબિલિટી ટ્રાન્સફોર્મેશન થ્રુ અપગ્રેડેડ ITIs એટલે કે PM-SETU યોજના હેઠળ ગુજરાત અને આંધ્રપ્રદેશની કુલ નવ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના આધુનિકીકરણ માટે શેરહોલ્ડર્સ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
આ પ્રોજેક્ટ હેઠળ કુલ ₹440 કરોડનું રોકાણ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના સુરત ક્લસ્ટર માટે ₹240 કરોડ અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ક્લસ્ટર માટે ₹200 કરોડનો સમાવેશ થાય છે.
ભારતની ITI શિક્ષણ વ્યવસ્થાને વધુ આધુનિક અને ઉદ્યોગલક્ષી બનાવવા માટે કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેનિંગ, ગુજરાત સરકાર, આંધ્રપ્રદેશ સરકાર અને આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા વચ્ચે મહત્વપૂર્ણ કરારો કરવામાં આવ્યા છે.
આ કરારોના પરિણામે સુરતની પાંચ અને વિશાખાપટ્ટનમની ચાર સરકારી ITIનું આધુનિકીકરણ કરવામાં આવશે. આ સંસ્થાઓમાં તાલીમની ગુણવત્તા સુધારવા, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અને યુવાનોને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવશે.
આ પ્રોજેક્ટના અમલીકરણ માટે વિશેષ હેતુ વાહન એટલે કે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ્સ — SPVsની સ્થાપના કરવામાં આવશે. તેમાં આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા 51 ટકા હિસ્સો ધરાવશે, જ્યારે કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્ય સરકારની 24.5-24.5 ટકા ભાગીદારી રહેશે.
પ્રોજેક્ટમાં શૈક્ષણિક અને તકનીકી સહયોગ ન્યૂ એજ મેકર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી — NAMTECH દ્વારા આપવામાં આવશે. તાલીમ કેન્દ્રોના વર્કશોપ અને લેબોરેટરીઓનું આધુનિકીકરણ, નવા જમાનાના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો, પ્રશિક્ષકોની તાલીમ અને પ્રાયોગિક શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવશે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સરકારી ITIની ઇમારતો કે સાધનોને અપગ્રેડ કરવાનો નથી, પરંતુ તાલીમાર્થીઓને ઉદ્યોગોમાં રોજગાર મેળવવા માટે જરૂરી વ્યવહારુ જ્ઞાન અને કૌશલ્યથી સજ્જ કરવાનો છે.
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયનાં સચિવ દેબશ્રી મુખર્જીએ જણાવ્યું હતું કે આ કરારો ITI સંસ્થાઓમાં પરિવર્તનકારી યાત્રાની શરૂઆત છે. સંસ્થાઓને કૌશલ્ય અને શ્રેષ્ઠતાનાં કેન્દ્રો બનાવવાની દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થશે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે PM-SETU યોજના હેઠળ દેશભરમાં એક હજાર સરકારી ITIના આધુનિકીકરણ અને પાંચ નેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સને સશક્ત બનાવવાની યોજના છે. આ ફ્લેગશિપ યોજનાનું કુલ નાણાકીય કદ ₹60,000 કરોડ છે.
સુરત અને વિશાખાપટ્ટનમ ક્લસ્ટર માટે મંજૂર થયેલા ₹440 કરોડના રોકાણથી તાલીમની ગુણવત્તા, યુવાનોની રોજગારક્ષમતા અને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ તૈયાર કરવામાં મદદ મળવાની અપેક્ષા છે.
આમ, PM-SETU યોજના હેઠળ સરકારી ITIના આધુનિકીકરણની આ પહેલ યુવાનોને ભવિષ્યલક્ષી કૌશલ્ય આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. હવે આ યોજનાનો વાસ્તવિક લાભ તાલીમાર્થીઓ સુધી કેટલી ઝડપથી પહોંચે છે અને રોજગારીની કેટલી નવી તકો ઊભી થાય છે, તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
