અવધ એક્સપ્રેસ | વડોદરા
મકરપુરા સ્થિત આકાશવાણી વડોદરા દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે જનભાગીદારીના ઉદ્દેશ્ય સાથે આકાશવાણી વડોદરા પરિવાર દ્વારા તરસાલી ખાતે આવેલ ‘સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચૅરિટેબલ ટ્રસ્ટ’ના પરિસરમાં સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી.
આકાશવાણી વડોદરાના અધિકારીઓ અને કર્મચારીઓએ સંસ્થાના પરિસર તેમજ આસપાસના વિસ્તારમાં સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ સંસ્થા અનાથ અને દિવ્યાંગ બાળકોની સંભાળ તથા શિક્ષણ માટે ઉમદા કાર્ય કરે છે.
આ પ્રસંગે આકાશવાણી પરિવારના સભ્યોએ બાળકો સાથે સમય વિતાવી તેમની સાથે સંવાદ કર્યો હતો તેમજ સંસ્થા દ્વારા બાળકોની સંભાળ અને શિક્ષણ માટે કરવામાં આવી રહેલી સેવાકીય કામગીરીને બિરદાવી હતી.
આકાશવાણી ના સ્ટેશન ડાયરેક્ટર જગદીશ પરમારે જણાવ્યું કે જનભાગીદારી થકી સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે અને બાળકોને સ્વચ્છ તથા આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તે હેતુથી આ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
