અવધ એક્સપ્રેસ | વડોદરા
હિમોફિલિયા એ એક દુર્લભ, વંશાનુગત રક્તસ્રાવનો રોગ છે જેમાં ચોક્કસ ક્લોટિંગ ફેક્ટર્સ એટલે એવી પરિસ્થિતિ જ્યારે લોહી જામવાની પ્રક્રિયા માટે જરૂરી તત્વોની ઉણપને કારણે લોહી સામાન્ય રીતે ગંઠાતું નથી. હિમોફિલિયા A માં ફેક્ટર VIII ની ઉણપ હોય છે. જ્યારે હિમોફિલિયા B ફેક્ટર IX ની ઉણપ સાથે જોડાયેલ છે. નાની નાની ઇજાઓ, દાંતની સારવાર કે સર્જરીમાં પણ લાંબા સમય સુધી રક્તસ્રાવ થઈ શકે છે, જ્યારે ગંભીર કિસ્સાઓમાં સાંધા અને સ્નાયુઓમાં આપોઆપ રક્તસ્રાવ પણ થઈ શકે છે. જેનાથી દુખાવો, અકડાઈ જવું અને લાંબા ગાળે સાંધાને નુકસાન થઈ શકે છે.
ગુજરાત સરકાર ૨૦૧૨માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલ સરકારી હોસ્પિટલોના નેટવર્ક મારફતે મફત ફેક્ટર રિપ્લેસમેન્ટ સહાય પૂરી પાડી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ આ સેવા ચાલુ રાખીને તેનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ પહેલથી દર્દીઓ અને તેમના પરિવારો પરથી મોંઘી સારવારનો નાણાકીય બોજ હળવો કરવામાં મદદ મળી છે. નવી પ્રોફિલેક્સિસ થેરાપીઓ સાથે સારવારના વિકલ્પો પણ વધ્યા છે, જેમાં એમિસિઝુમાબનો પણ સમાવેશ થાય છે, જે યોગ્ય દર્દીઓમાં રક્તસ્રાવના એપિસોડને રોકવામાં મદદ કરવા માટે વપરાય છે. ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં હિમોફિલિયાની અદ્યતન સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે મેડિકલ ટીમ દર્દીની સ્થિતિ, રોગની ગંભીરતા અને અન્ય તબીબી માપદંડોના આધારે યોગ્ય સારવાર અને ડોઝ નક્કી કરે છે.
જોકે, તાજેતરના દિવસોમાં વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં મોંઘી એમિસિઝુમાબ થેરાપી દર્દીઓને મફતમાં ન અપાતી હોવાનો વિવાદ સામે આવતા હિમોફિલિયા સોસાયટી, વડોદરા ચેપ્ટરના પ્રમુખ દિનેશ વધાડિયાએ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રંજન અય્યર સાથે મુલાકાત કરી હતી. તેમણે આશ્વાસન આપ્યું હતું કે, સારવાર બંધ કરવામાં નહીં આવે અને દર્દીઓને મફત સારવાર મળતી રહેશે. આ નિર્ણયથી આ દુર્લભ બીમારીથી પીડાતા દર્દીઓને મોટી રાહત મળી છે અને તેમણે સરકારી હોસ્પિટલોમાં આ મોંઘી સારવાર મફતમાં મેળવવામાં મદદ કરવા બદલ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.
“દર ૧૦,૦૦૦ વ્યક્તિમાંથી એક વ્યક્તિને હિમોફિલિયા હોય છે, જેનો અર્થ એ થાય કે ગુજરાતમાં અંદાજે ૫,૦૦૦ હિમોફિલિયા દર્દીઓ છે. તેમાંથી ૨,૫૦૦ દર્દીઓ ગુજરાતના વિવિધ ચેપ્ટર સાથે નોંધાયેલા છે. ગુજરાત સરકાર દ્વારા મફતમાં અદ્યતન હિમોફિલિયા સારવાર આપવા માટે આપવામાં આવતા સહયોગની અમે સરાહના કરીએ છીએ, સાથે જ અમે સરકાર પાસે સતત ખાતરી ઈચ્છીએ છીએ કે ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોમાં પાત્રતા ધરાવતા હિમોફિલિયા દર્દીઓને એમિસિઝુમાબ પ્રોફિલેક્સિસ સારવાર સરળતાથી અને અટક્યા વગર મળતી રહે. નિષ્ણાત તબીબો દ્વારા ગુજરાત સરકાર હેઠળ તૈયાર કરવામાં આવેલી ચોક્કસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને આધારે જ તબીબો દર્દીની ક્લિનિકલ સ્થિતિ અને જરૂરિયાત મુજબ સારવાર અને ડોઝ નક્કી કરે છે. રક્તસ્રાવના કિસ્સાઓ ઘટાડવા અને દર્દીઓને વધુ સ્વસ્થ અને આત્મનિર્ભર જીવન જીવવામાં મદદ કરવા માટે આ નિવારક થેરાપીની સતત ઉપલબ્ધતા ખૂબ મહત્વપૂર્ણ છે. ગુજરાત સરકારનો સહયોગ ચાલુ રહેશે અને દર્દીઓના સારા ભવિષ્ય માટે અદ્યતન હિમોફિલિયા સંભાળ માટે સુદ્રઢ માર્ગ સુનિશ્ચિત કરશે,” તેમ હિમોફિલિયા સોસાયટી, વડોદરા ચેપ્ટરના પ્રમુખ દિનેશ વધાડિયાએ જણાવ્યું હતું.
