શહેર સહિત શામળદેવી-ઘોડા ગામમાં ફફડાટ : 12 ગંભીર ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ ખસેડાયા
કાલોલ : પંચમહાલ જિલ્લાના કાલોલ પંથકમાં રખડતા શ્વાનોએ જાણે આતંક મચાવ્યો હોય તેવી સ્થિતિ સર્જાતા શહેર સહિત આસપાસના ગામોમાં ભયનો માહોલ છવાયો છે. કાલોલ શહેર ઉપરાંત શામળદેવી અને ઘોડા ગામમાં 30થી વધુ લોકોને રખડતા શ્વાનોએ બચકાં ભરતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
રસ્તા પરથી પસાર થઈ રહેલા રાહદારીઓ, મહિલાઓ અને બાળકોને અચાનક શ્વાનોએ નિશાન બનાવતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. એકસાથે મોટી સંખ્યામાં લોકો શ્વાનના હુમલાનો ભોગ બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.
ઘટનાની જાણ થતાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક કાલોલ CHC ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, ઇજાઓ ગંભીર હોવાના કારણે 12 દર્દીઓને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.

એક જ વિસ્તારમાં રખડતા શ્વાનના હુમલાની અનેક ઘટનાઓ સામે આવતા કાલોલ શહેર અને આસપાસના ગામોમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકો અને મહિલાઓને લઈને પરિવારજનોમાં ચિંતા વધી છે.
રખડતા શ્વાનના વધતા આતંકને પગલે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી રખડતા શ્વાનોને પકડીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે, તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
