સ્થાનિકો અને ડાયલ-112ની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી, અત્યાર સુધી 10 ઇજાગ્રસ્ત મજૂરોને અંબાલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા
અંબાલા: હરિયાણાના અંબાલા સ્થિત ધૂલકોટ ગામ વિસ્તારમાં રવિવારે બપોરે એક મોટો અકસ્માત સર્જાયો હતો. નિર્માણાધીન ઈમારતની છતનું લેન્ટર નાખવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક સમગ્ર ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. અકસ્માત સમયે સ્થળ પર મોટી સંખ્યામાં મજૂરો કામ કરી રહ્યા હતા, જેમાંથી કેટલાક મજૂરો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં ચાર મજૂરોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
ઈમારતમાં 40થી 50 મજૂરો કામ કરી રહ્યા હતા
અકસ્મત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી અને પોલીસ તથા ડાયલ-112ને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત મજૂરોના જણાવ્યા મુજબ, ઘટના સમયે નિર્માણાધીન ઈમારતમાં અંદાજે 40થી 50 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતા.
10 ઇજાગ્રસ્ત મજૂરો હોસ્પિટલમાં દાખલ
સ્થાનિક લોકો અને ડાયલ-112ની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી કાટમાળમાંથી અત્યાર સુધીમાં 10 ઇજાગ્રસ્ત મજૂરોને બહાર કાઢ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને અંબાલા શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.
કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે
અકસ્મતની જાણ થતાં જ પોલીસ દળ સાથે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ રાહત અને બચાવ સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેસીબી સહિતની મશીનરીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. કાટમાળ નીચે હજુ અન્ય લોકો ફસાયેલા હોવાની આશંકા વચ્ચે તેમને વહેલી તકે સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન સતત ચાલુ છે.
વહીવટી તંત્રના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ પ્રથમ પ્રાથમિકતા કાટમાળમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક તબીબી સારવાર પૂરી પાડવાની છે. અકસ્માતનું ચોક્કસ કારણ રાહત અને બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ તપાસવામાં આવશે.
