ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સ્વચ્છતા શ્રમદાન અંતર્ગત સેવા યાત્રા અને બાઇક રેલી સાથે ઘોઘંબા પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ જાતે સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. નેતૃત્વ દ્વારા હાથમાં ઝાડુ લઈને આપવામાં આવેલા આ સંદેશથી સ્વચ્છતા અભિયાનને નવી દિશા આપવાનો પ્રયાસ થયો હતો.
પરંતુ બીજી તરફ ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામમાં સ્વચ્છતા વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામના કેટલાક વિસ્તારોમાં નિયમિત સફાઈનો અભાવ જોવા મળે છે. ખાસ કરીને પ્રાથમિક શાળા નજીક આવેલા સંપમાં ગંદુ પાણી અને આસપાસ પડેલો કચરો સ્વચ્છતા વ્યવસ્થાની ગંભીર સ્થિતિ તરફ ઈશારો કરે છે.

સવાલ એ છે કે જ્યારે સ્વચ્છતા માટે સરકારી સ્તરે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, ત્યારે ગામના જાહેર સ્થળો અને શાળા આસપાસ સફાઈ કેમ જળવાતી નથી? જો સફાઈ માટે નાણાં ખર્ચવામાં આવી રહ્યા હોય તો તેની અસર જમીન પર કેમ દેખાતી નથી? આ પ્રશ્નો હવે સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સ્વચ્છતા શ્રમદાન અંતર્ગતની યાત્રા દરમિયાન જો ચેલાવાડા ગામની મુલાકાત લેવાઈ હોત અને પ્રાથમિક શાળા પાસેના સંપ તથા આસપાસના વિસ્તારની સ્થિતિ જાતે નિહાળવામાં આવી હોત, તો સ્વચ્છતા અભિયાનનો એક અલગ જ ચહેરો સામે આવ્યો હોત.
ગામમાં પડેલા કચરાની સફાઈ સાથે ગંદા પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો હોત તો તેને સાચા અર્થમાં શ્રમદાન કહી શકાય તેમ હતું. માત્ર કાર્યક્રમના સ્થળે સફાઈ કરવાથી નહીં, પરંતુ જ્યાં ખરેખર ગંદકી છે ત્યાં પહોંચીને સફાઈ કરાવવી એ જ સ્વચ્છતા અભિયાનનો મૂળ હેતુ હોવો જોઈએ.

ચેલાવાડામાં સ્વચ્છતા માટે ગ્રાન્ટ મળતી હોવાના સ્થાનિક દાવા વચ્ચે હવે સૌથી મોટો સવાલ જવાબદારીનો છે. ગામમાં સફાઈ માટે નાણાં ફાળવાયા હોય અને છતાં જાહેર સ્થળોએ કચરો તથા ગંદુ પાણી જોવા મળે, તો સફાઈની કામગીરી કોણ સંભાળે છે અને ખર્ચ ક્યાં થાય છે તેની પારદર્શક માહિતી જાહેર કરવાની માંગ ઉઠી રહી છે. સ્થાનિકો દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોની સત્તાવાર તપાસ થાય અને જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદારો સામે નિયમસર કાર્યવાહી થાય તેવી પણ માંગ છે.

ચેલાવાડાની સ્થિતિને લઈને હવે એક તીખો સવાલ ઊભો થયો છે સ્વચ્છતા માટેના નાણાં ખર્ચાયા પછી પણ જો ગામમાં ગંદકી યથાવત હોય તો આખરે આ નાણાં ક્યાં વપરાયા?
અહીં કોઈ વ્યક્તિ કે અધિકારી સામે સીધો દોષારોપણ કરવાનો સવાલ નથી, પરંતુ જાહેર નાણાં અને જાહેર સુવિધા અંગે પારદર્શક જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત ચોક્કસપણે છે.
નાયબ મુખ્યમંત્રીના સ્વચ્છતા સંદેશને ચેલાવાડાની ધરતી પર પણ સાકાર કરવામાં આવે, ગામના તમામ જાહેર સ્થળોની નિયમિત સફાઈ થાય અને સ્વચ્છતા માટે મળતી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય એવી અપેક્ષા હવે ગ્રામજનો રાખી રહ્યા છે.

