ગુજરાતમાં યુવાનોને તમાકુ અને વ્યસનથી દૂર રાખવાના હેતુથી પ્રયાસ ડી-એડિક્શન ડ્રાઇવ એન્ડ ટોબેકો-ફ્રી જનરેશન (TFG) કેમ્પેઇન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત વડોદરા સહિત આઠ મહાનગરપાલિકાની ૮૧ શાળાઓના ૮,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ સુધી તમાકુથી દૂર રહેવાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.
વડોદરા સ્થિત ફેઈથ ફાઉન્ડેશન દ્વારા ડિસેમ્બર ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ દરમિયાન આ અભિયાન યોજાયું હતું. રાજ્ય સરકારના શિક્ષણ અને આરોગ્ય વિભાગો તેમજ આઠ મહાનગરપાલિકાના સહયોગથી શાળાઓમાં વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓને તમાકુ અને વ્યસનથી થતા નુકસાન વિશે સમજ આપવામાં આવી હતી. સાથે જ જીવનમાં યોગ્ય નિર્ણય લેવા, વ્યસનને ના કહેવા અને સ્વસ્થ જીવન જીવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ અભિયાન હેઠળ ૧૦૦ વિદ્યાર્થીઓને પીઅર એજ્યુકેટર તરીકે તાલીમ આપવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓ પોતાના સાથી વિદ્યાર્થીઓ, પરિવાર અને આસપાસના લોકોમાં તમાકુથી દૂર રહેવા અંગે જાગૃતિ ફેલાવે તે માટે તેમને તૈયાર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ૧૨,૦૦૦થી વધુ પોસ્ટર, બ્રોશર સહિતની જાગૃતિ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાઓમાં તમાકુમુક્ત વાતાવરણ અંગેના સંદેશ સાથે COTPA સાઇનેજ બોર્ડ લગાવવા અને ટોબેકો-ફ્રી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન (ToFEI)ની માર્ગદર્શિકાના અમલ માટે પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

અભિયાન દરમિયાન વિવિધ સ્પર્ધાઓ અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને સક્રિય રીતે જોડવામાં આવ્યા હતા. ૮,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ તમાકુથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ફેઈથ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ડિરેક્ટર સુઝન સેમસને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને સાથે રાખીને કરવામાં આવેલું આ અભિયાન તેની ખાસિયત રહ્યું છે. પીઅર એજ્યુકેટર્સ દ્વારા તમાકુ અને વ્યસનથી દૂર રહેવાનો સંદેશ અન્ય વિદ્યાર્થીઓ, પરિવારો અને સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો છે.
“આજનું નાનું પગલું, આવતીકાલનું સ્વસ્થ જીવન”ના સંદેશ સાથે પ્રોજેક્ટ પ્રયાસનો હેતુ યુવાનોને તમાકુ અને વ્યસનથી દૂર રાખીને સ્વસ્થ અને તમાકુમુક્ત પેઢીના નિર્માણમાં યોગદાન આપવાનો છે.
