આલેખન – રવિના બોરાધરા
(વડોદરા, તા.૧૧) પંચમહાલ જિલ્લાના જેપુરા ગામની 13 વર્ષની દીકરી છાયલ પરમારે પોતાની પ્રતિભા અને મહેનતના બળે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે. હોંગકોંગ ખાતે યોજાયેલી 2026 Special Olympics East Asia Regional Bowling Championshipમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરીને છાયલએ બે ગોલ્ડ મેડલ જીતી શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે.
બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવતી છાયલની આ સિદ્ધિ માત્ર રમતગમતની જીત નથી, પરંતુ આત્મવિશ્વાસ, સતત મહેનત અને યોગ્ય માર્ગદર્શનથી ઊભી થતી સંભાવનાઓનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. હોંગકોંગમાં યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે ભારતની ટીમમાં પુડુચેરી, ચંદીગઢ, પંજાબ અને ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાંથી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાતમાંથી પસંદગી પામેલી ખેલાડીઓમાં માત્ર બે દીકરીઓનો સમાવેશ થયો હતો, જેમાં પંચમહાલની 13 વર્ષની છાયલ પરમાર પણ સામેલ હતી.

છાયલ માટે બૉલિંગની શરૂઆત કદાચ એક સામાન્ય રમત તરીકે થઈ હતી, પરંતુ નિયમિત તાલીમ સાથે આ રમત તેમના આત્મવિશ્વાસની સફર બની ગઈ. શરૂઆતમાં સ્પર્ધામાં ભાગ લેવાની તક જ તેમના માટે મોટી વાત હતી. પરંતુ દરેક તાલીમ સત્ર સાથે તેમની બૉલિંગ ટેકનિકમાં સુધારો થતો ગયો અને પોતાના પરનો વિશ્વાસ પણ વધતો ગયો.પરિવારના સતત પ્રોત્સાહન અને કોચના માર્ગદર્શનથી છાયલને બૉલિંગની ટેકનિક સાથે શિસ્ત, ધીરજ, એકાગ્રતા અને ટીમવર્ક જેવા ગુણો પણ વિકસાવ્યા. મર્યાદિત સંસાધનો અને ગ્રામ્ય પૃષ્ઠભૂમિ હોવા છતાં તેમણે તાલીમમાં સતત મહેનત કરી અને પોતાની ક્ષમતાને સાબિત કરી.આ મહેનતનું પરિણામ હોંગકોંગમાં જોવા મળ્યું, જ્યાં છાયલબેને ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કરતાં બે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા.
2026 Special Olympics East Asia Regional Bowling Championshipમાં ભારતીય ખેલાડીઓએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમે કુલ ૨૦ મેડલ, જેમાં ૧૦ ગોલ્ડ, ૭ સિલ્વર અને ૩ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે, જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું. આ સફળતામાં છાયલના બે ગોલ્ડ મેડલનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું.
જેપુરાથી આંતરરાષ્ટ્રીય બૉલિંગ લેન સુધીની સફર: Special Olympicsમાં ગુજરાતની માત્ર બે દીકરીઓમાંથી એક બની છાયલ રચ્યો ગૌરવભર્યો ઇતિહાસ
