દુમાડથી સાવલી-ડેસર રોડ પર બેફામ દોડતા હાઇડ્રો જેવા ભારે વાહનો ફરી એકવાર યમરાજ બનીને ત્રાટક્યા છે. સાવલીના ભાદરવા ચોકડી નજીક માતૃત્વ હોસ્પિટલ પાસે હાઇડ્રો વાહને એક યુવાનને કચડી નાખતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, 36 વર્ષીય દીપક લુહાર હાઇડ્રો વાહનની અડફેટે આવી જતાં ગંભીર રીતે કચડાઈ ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે દીપકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્મત બાદ હાઇડ્રોનો ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે ભાદરવા ચોકડી આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ પણ ઉભી થઈ હતી. બનાવની જાણ થતાં સાવલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર હાઇડ્રો ચાલકને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

દુમાડથી સાવલી-ડેસર રોડ પર દોડતા ભારે હાઇડ્રો અને અન્ય ઓવરલોડ વાહનો સામે સ્થાનિકોમાં લાંબા સમયથી રોષ જોવા મળી રહ્યો છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે ઓવરલોડ વાહનો ચલાવવા માટે પૂરતું લાઇસન્સ કે અનુભવ ન ધરાવતા ટ્રેક્ટર ચાલકોને પણ હાઇડ્રોનું સ્ટિયરિંગ સોંપવામાં આવે છે.
ગજાબહારના ઓવરલોડ અને બિનઅનુભવી ચાલકોના કારણે રસ્તાઓ પર વાહનો નહીં, જાણે મોત દોડતું હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. એક પછી એક અકસ્માતો છતાં આવા ભારે વાહનો સામે કડક કાર્યવાહી કેમ થતી નથી? શું કોઈ વધુ નિર્દોષોનો સામૂહિક ભોગ લેવાશે ત્યાર બાદ જવાબદાર તંત્ર જાગશે?
ભાદરવા ચોકડીના આ ગમખ્વાર અકસ્માતે ફરી એકવાર બેફામ હાઇડ્રો વાહનો, ઓવરલોડિંગ અને બિનઅનુભવી ડ્રાઇવિંગ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
