ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના ગેરકાયદેસર વેચાણ તથા વપરાશના આક્ષેપોને લઈને પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગોધરામાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસે દારૂબંધીનો કડક અમલ કરાવવા તેમજ ભાવનગર લઠ્ઠાકાંડની ન્યાયિક તપાસની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અને અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો છે. સાથે જ ડ્રગ્સના વધતા દુષણને કારણે યુવા પેઢી અને અનેક પરિવારો પર ગંભીર અસર પડી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડમાં 13 લોકોના મોતના બનાવને ગંભીર ગણાવી કોંગ્રેસે સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ કરાવવાની માંગ કરી હતી. દારૂ અને ડ્રગ્સના ગેરકાયદેસર નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જવાબદાર ઇસમો સામે કાયદેસરની સખ્ત કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી હતી.કોંગ્રેસ આગેવાનો દ્વારા ગુજરાતના મહામહિમ રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજ્યમાં દારૂબંધીનો ચુસ્ત અને અસરકારક અમલ થાય, ગેરકાયદેસર દારૂ-ડ્રગ્સના વેચાણ પર અંકુશ આવે અને આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે સરકાર દ્વારા કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
