કાલોલ તાલુકાના ઘુસર ગામે સાદી રેતીનું ગેરકાયદેસર ખનન તથા વહન કરવા ઉપરાંત સરકારી કામગીરીમાં અડચણરૂપ બનતા ઈસમ સામે વેજલપુર પોલીસે તડીપારની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની દરખાસ્તના આધારે ગોધરા પ્રાંતના નાયબ કલેક્ટર તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે ઈસમને બે વર્ષ માટે સાત જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો હુકમ કર્યો છે.
પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની સૂચનાના પગલે જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈસમો સામે પાસા અને તડીપાર જેવી અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ અનુસંધાને કાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નવીન આહીરના માર્ગદર્શન હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જી.કે. વહુનિયાએ ઘુસર ગામના ઈસમ વિક્રમભાઈ જોગાભાઈ ભરવાડ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ વિક્રમભાઈ ભરવાડ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં કુલ બે ગુના નોંધાયેલા હતા. જેમાં સાદી રેતીનું ગેરકાયદેસર ખનન તથા વહન અને સરકારી કામગીરીમાં અડચણરૂપ બનવા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ગુનાઓના આધારે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 56(ખ) હેઠળ તડીપારની દરખાસ્ત તૈયાર કરી ગોધરા પ્રાંત કચેરી ખાતે મોકલવામાં આવી હતી.
દરખાસ્તના આધારે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એન.બી. મોદીએ વિક્રમભાઈ જોગાભાઈ ભરવાડ (ઉંમર 31 વર્ષ, વ્યવસાય-ખેતી, રહે. ઘુસર નિશાળ ફળિયું, તા. કાલોલ, જી. પંચમહાલ)ને પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, ખેડા તથા છોટાઉદેપુર જિલ્લાની હદમાંથી બે વર્ષ માટે હદપાર કરવાનો હુકમ કર્યો છે.
હુકમના અમલરૂપે વેજલપુર પોલીસે ઈસમને બોટાદ જિલ્લામાં મોકલી આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
