ગોધરા શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે પંચમહાલ એલ.સી.બી. દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન કળશ સર્કલ પાસેથી ચોરીની મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે રૂ.15 હજારની કિંમતની મોટરસાયકલ કબજે કરી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તથા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની સૂચનાથી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. વોરાની દેખરેખમાં મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન એલ.સી.બી.ના આ.પો.કો. અલ્પેશભાઈ નારણભાઈ તથા આ.પો.કો. નરેશકુમાર કાંતિભાઈને બાતમી મળી હતી કે, ગોધરા કળશ સર્કલ પાસે એક શખ્સ શંકાસ્પદ મોટરસાયકલ સાથે ઉભો છે અને તેને વેચાણ કરવા માટે ગ્રાહકની શોધમાં છે. બાતમીના આધારે પો.સ.ઈ. એચ.આર. જેતાવત તથા એલ.સી.બી. સ્ટાફે કળશ સર્કલ પાસે વોચ ગોઠવી હતી.બાતમી મુજબનો શખ્સ મોટરસાયકલ સાથે મળી આવતા પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. મોટરસાયકલની માલિકી અંગે આધાર-પુરાવા માંગવામાં આવતા આરોપી કોઈ સંતોષકારક પુરાવો રજૂ કરી શક્યો ન હતો.પોલીસે એચ.એફ. ડિલક્સ મોટરસાયકલ નં. GJ-17-BL-5587, કિંમત રૂ.15,000 કબજે કરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ રીતેશ લક્ષ્મીકાંત ગુપ્તા, હાલ રહે. પંચવટી, ગુરુકૃપા સોસાયટી, ગોધરા તથા મૂળ રહે. કચ્છી ચાલી, સેવાલિયા બજાર, તા. ગળતેશ્વર, જિ. ખેડા તરીકે થઈ છે.પોલીસની ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે, તા. 19 ઓગસ્ટ, 2026ના રોજ બપોરના સમયે ગોધરા-લુણાવાડા રોડ પર આવેલી પંચામૃત ડેરીના પાર્કિંગમાંથી ઉપરોક્ત મોટરસાયકલની ચોરી કરી હતી.આ કબૂલાતના આધારે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોટરસાયકલ ચોરીનો વણઉકેલાયેલ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
