પંચમહાલના મુખ્ય મથક ગોધરાની કુખ્યાત ગેંગ દ્વારા ગૌ-તસ્કરી અને ગૌ-વંશો ની કત્લ કરવાના ઓપરેટ થતા આંતર જિલ્લાઓ સાથે જોડાયેલા આ કનેક્શનો વચ્ચે તાજેતરમાં કાલોલ માંથી એક રહેણાંક મકાનમાં ગૌ-વંશોની તસ્કરીઓ અને ગૌ-વંશોના કત્લ માટેનું કસાઈઓનું કતલખાનુ ઝડપાયું હતુ. પંચમહાલ જિલ્લામાં ગૌ-વંશોની તસ્કરીઓ અને ગૌ-વંશોના કત્લ કરવાના કસાઈઓના આ કરતુકોને કાયદાની મર્યાદામાં રહીને સખ્તાઈ પૂર્વક કાબુમાં લેવા માટે પંચમહાલ પોલીસ અધિક્ષક ડો.હરેશ દુધાત દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસો અને સૂચનોના આધારે ગોધરા એલ.સી.બી. શાખાના પી.આઈ.એ.બી.વોરા દ્વારા ગૌ-વંશોની તસ્કરી અને ગૌ-વંશોની કત્લ કરવાના નોંધાયેલા ગુન્હાઓના ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા ભૂતકાળના પાસાઓનો અભ્યાસ કરીને ગૌ-વંશોની તસ્કરીઓ અને ગૌ-વંશોની કત્લોના ગુન્હાઓમાં સંડોવાયેલ ગોધરાની કુખ્યાત “બદામ ગેંગ”ના ૬ આરોપીઓ સામે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં “ગુજસીટોક” હેઠળ ગુન્હો દાખલ કરીને આ “બદામ ગેંગ”ના ગેંગ લીડર અનસ અબ્દુલગની બદામની ધરપકડ કરી હતી. જ્યારે બાકી ના ૫ આરોપીઓ જેલમાં હોઈ આ પાંચ આરોપીઓને હવે ગુજસીટોકના ગુન્હા સબબ ટ્રાન્સફર વોરંટ ના આધારે જેલ કબજો લેવા માટે પોલીસ તંત્ર દ્વારા કાયદેસર કાર્યવાહીઓ હાથ ધરી છે.ગોધરાની ગૌ-તસ્કરીઓ ગૌ-વંશની કત્લના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત બદામ ગેંગના આરોપીઓ સામે નોંધાયેલા ગુજસીટોકના ગુન્હાની તપાસ સંભાળનાર કાલોલના ડી.વાય.એસ.પી. નવીન આહીર દ્વારા ઝડપાયેલા આરોપી અનસ અબ્દુલગની બદામને આજરોજ વડોદરા સ્થિત સ્પે.ગુજસીટોક અદાલત સમક્ષ હાજર કરીને ૩૦ દિવસોના પોલીસ રીમાન્ડની માંગ કરી હતી.આ સંદર્ભમાં ગુજસીટોકના ગુન્હાઓ માટે નિયુક્ત કરવામાં આવેલા સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર રઘુવીર પંડ્યાની અસરકારક દલીલોના અંતે અનસ અબ્દુલગની બદામના ૧૬ દિવસો એટલે કે આગામી તા.૨૯ ઓગસ્ટ સુધીના પોલીસ રીમાન્ડ મંજૂર કરાયા હતા.
પંચમહાલ જિલ્લામાં શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે પંચમહાલ પોલીસે સંગઠિત ગુનાખોરી સામે લાલ આંખ કરી છે. જિલ્લામાં ગૌ-વંશની તસ્કરી, ગેરકાયદે કતલ તેમજ શરીર અને મિલકત સંબંધી ગંભીર ગુન્હા આચરતી કુખ્યાત ‘બદામ ગેંગ’ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી ગુજરાત સરકારના કડક કાયદા ‘ગુજસીટોક’ (GUJCTOC) હેઠળ ગોધરા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી એક આરોપીની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી છે.
ગુજરાતમાં સંગઠિત ગુનાખોરી અને અસામાજિક તત્વોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) દ્વારા તમામ જિલ્લાઓમાં સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હતા. જેના અનુસંધાને રેન્જ ડી.આઈ.જી. વિધી ચૌધરી દ્વારા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધવા કાયદેસરની મંજૂરી આપવામાં આવી હતી.
આ મંજૂરી બાદ પંચમહાલ પોલીસ અધિક્ષક ડો. હરેશ દુધાતના સીધા માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી.પી.આઈ.એ.બી. વોરા અને તેમની ટીમે ‘બદામ ગેંગ’ના તમામ ગુનાહિત રેકોર્ડ એકત્ર કરી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે આ સંગઠિત ગેંગ લાંબા સમયથી જિલ્લામાં સક્રિય હતી. ગેંગના સભ્યો સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં
ગૌ-વંશની ચોરી, હેરાફેરી અને કતલ કરવાના ગુના, શરીર તથા મિલકત સંબંધી ગંભીર ગુનાઓ, ફરજ પરના પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવા જેવા કુલ-૧૮ જેટલા સંગઠિત ગુન્હાઓ અગાઉ નોંધાયેલા છે.
આ ગેંગની મોડસ ઓપરેન્ડી અને સમાજ પર થતી વિપરીત અસરોને ધ્યાને રાખી આખરે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવી ગોધરા બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજસીટોક હેઠળ વિધિવત ગુન્હો નોંધવામાં આવ્યો છે.
ગુન્હો દાખલ થતાં જ પંચમહાલ એલ.સી.બી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે સઘન ઓપરેશન પાર પાડી ગેંગના મુખ્ય સાગરીત અનસ અબ્દુલગની બદામની ધરપકડ કરી લીધી છે.
આ ગેંગના અન્ય ૫ સાગરીતો અગાઉના ગંભીર ગુન્હાઓમાં હાલ જેલમાં બંધ છે. પોલીસ હવે ટ્રાન્સફર વોરંટ આધારે આ તમામ આરોપીઓનો ગુજસીટોકના કેસમાં કબ્જો મેળવવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે.
બદામ ગેંગ મુખ્યત્વે ગૌવંશની તસ્કરી, કતલખાને મોકલવા, લૂંટ, જાનથી મારી નાખવાની ધમકીઓ અને પોલીસ/સરકારી કર્મચારીઓ પર હુમલો કરવા જેવી ગંભીર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે. આ ગેંગ સામે વિવિધ પોલીસ મથકોમાં ૧૮થી વધુ ગુન્હાઓ નોંધાયેલા છે.
ગુજસીટોક કાયદાની જોગવાઈ મુજબ આ કેસની આગળની ઉંડાણપૂર્વકની તપાસ કાલોલના નાયબ પોલીસ અધિક્ષકને સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા આ ગેંગની બિનહિસાબી મિલકતો અને નાણાંકીય સ્ત્રોતોની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.
પંચમહાલ જિલ્લા પોલીસ વડાની સીધી સૂચનાથી કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી ગૌવંશ તસ્કરી અને સંગઠિત ગુનાખોરી આચરતા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે પ્રજાજનોમાં સુરક્ષા અને શાંતિની લાગણી પ્રબળ બની છે.
ગુજસીટોકના આરોપીઓની યાદી અને ગુનાહિત ઇતિહાસ
ધરપકડ કરાયેલ મુખ્ય આરોપી
અનસ અબ્દુલગની બદામ
(રહે. અબરાર મસ્જિદ પાસે, શેખ મજાવર રોડ, ગોધરા)
ગુનાઓ કુલ-૦૩ : ખૂનની કોશિશ-૦૨, ધમકી-૦૧
જેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે કબ્જે લેવાના બાકી ૫ આરોપીઓ
નિશારઅહેમદ અબ્દુલગની બદામ
(રહે. પોલનબજાર, ગોધરા)
ગુનાઓ કુલ-૦૯ : ખૂનની કોશિશ-૦૩, પશુ ધારા-૦૫, ઘરફોડ ચોરી-૦૧
ઉમર અબ્દુલગની બદામ
(રહે. શેખ મજાવર રોડ, ગોધરા)
ગુનાઓ કુલ-૦૫ : ખૂનની કોશિશ-૦૨, પશુ ધારા-૦૨, ધમકી-૦૧
સાજીદ ઇલ્યાસ ભમેડી
(રહે. મોહમદી મહોલ્લો, ગોધરા)
ગુનાઓ કુલ-૦૭ : ખૂન-૦૧, પશુ ધારા-૦૩, ચોરી-૦૧, શરીર સંબંધી ગુના-૦૨
ઇમરાન શોકત રસુલભાઈ ડોરવા ઉર્ફે મસલીયા
(રહે. ઇદગાહ મહોલ્લો, ગોધરા)
ગુનાઓ કુલ-૦૨ : ખૂનની કોશિશ-૦૧, ઘરફોડ ચોરી – ૦૧
ઓવેશ ઉર્ફે જુનેદ મહોમંદ હનીફ દુર્ગા
(રહે. સિગ્નલ ફળિયા, ગોધરા)
ગુનાઓ કુલ-૦૩ : ખૂનની કોશિશ-૦૨, રાયોટીંગ-૦૧
આ ગુન્હામાં પકડવાના બાકી તમામ ૫ આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં હોય પોલીસ દ્વારા તેઓનો ટ્રાન્સફર વોરંટ આધારે કબ્જો મેળવવાની કાર્યવાહી ચાલુ છે
