સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તથા રાષ્ટ્રધ્વજના સન્માનમાં ‘સ્વતંત્રતા સપ્તાહ’ અને ‘હર ઘર તિરંગા, વંદે માતરમ્-150’ અંતર્ગત પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોધરા ખાતે જિલ્લા કક્ષાની “તિરંગા યાત્રા” યોજાઈ હતી.આ તિરંગા યાત્રા પ્રભારી મંત્રી રમેશ કટારા અને અન્ય મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી રમેશભાઈ કટારા એ જણાવ્યું હતું,તિરંગો એ માત્ર એક ધ્વજ નથી, પરંતુ આપણા દેશની એકતા, અખંડિતતા અને આપણું ગૌરવ છે. દેશના નાગરિક તરીકે આપણી ફરજ છે કે ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ આપણે સૌ પોતાના ઘર પર તિરંગો લહેરાવીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વર્ષ ૨૦૪૭ સુધીના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે ગામડાઓ અને પંચાયતો સુધી તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે, જેથી દરેક નાગરિકમાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને.
આ પ્રસંગે ધારાસભ્ય નિમિષાબેન સુથારએ જણાવ્યું હતું કે,રાષ્ટ્રીય પર્વના ભાગરૂપે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ‘હર ઘર તિરંગા’ અન્વયે યોજાયેલી આ તિરંગા યાત્રામાં રાષ્ટ્રપ્રેમનો એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે હાથમાં તિરંગો, હૃદયમાં હિન્દુસ્તાન અને મનમાં ‘મારું ભારત મહાન’ નો ભાવ લઈને સમાજના તમામ વર્ગો, મહિલાઓ, યુવાનો અને વિદ્યાર્થીઓ એકજૂથ થઈને જોડાયા છે, જે અખંડ ભારતની સાચી ઓળખ રજૂ કરે છે. આપણો તિરંગો એ માત્ર એક ધ્વજ નથી પણ દેશની આન, બાન અને શાન છે. દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓને નમન કરતા તેમણે જણાવ્યું હતું કે, ભલે આપણા ધર્મ, ભાષા કે વિચારો અલગ હોય, પરંતુ આપણો રાષ્ટ્ર અને તિરંગો એક જ છે. આવો, સૌ સાથે મળીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ સાથે દેશની એકતા, અખંડિતતા અને ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા પોતાના કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરીએ.”

ગોધરા ખાતે આયોજિત તિરંગા યાત્રા પ્રસંગે સંબોધન આપતાં ગોધરા રેન્જ આઈજી વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ તિરંગા યાત્રા એ માત્ર થોડા કદમોની યાત્રા નથી, પરંતુ આપણા સૌના મનમાં ઉછળતા રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને ઉત્સાહના જઝબાનું પ્રતિક છે. આપણો તિરંગો એ માત્ર આપણી ઓળખ જ નથી, પરંતુ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા વીર શહીદોના બલિદાન, આપણા બંધારણનું સન્માન અને ૧૪૦ કરોડ ભારતીયોના સ્વાભિમાનનું પ્રતિક છે. દેશનું હિત સર્વોપરી રહે અને ભારતવર્ષ અખંડ રહે તેવા સંકલ્પ સાથે દરેક નાગરિક પોતાના દરેક કાર્યોથી રાષ્ટ્રના માન-સન્માનને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે કટિબદ્ધ થાય,તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

આ તિરંગા યાત્રા ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી શિસ્તબદ્ધ રીતે પ્રસ્થાન કરીને ત્યાંથી આગળ વધીને ચર્ચ, LIC ચોક, વિશ્વકર્મા ચોક, પોલીસ ચોકી નં-૧, પોલીસ ચોકી નં-૨, પટેલવાડા, સોનીવાડ અને હોળી ચકલા જેવા શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને દેશભક્તિનો ઉત્સાહપૂર્ણ માહોલ સર્જીને અંતે રામ સાગર તળાવ ખાતે પહોંચીને રેલીનું ભાવપૂર્ણ સમાપન થયું હતું.
રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના આ મહાપર્વમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ,જિલ્લા અગ્રણી મયંક દેસાઈ સહિત જિલ્લાના ઉચ્ચ પદાધિકારીઓ,જિલ્લા કલેક્ટર અજય દહિયા,જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, જિલ્લાના નાગરિકો, યુવાનો, સામાજિક સંગઠનો , શૈક્ષણિક સંસ્થાઓ અને પ્રબુદ્ધ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાઈને દેશભક્તિના રંગે રંગાયા હતા.
