મહિસાગરના વીરપુર તાલુકાના ખાટા ગામે એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ ઘટના સામે આવી છે. ઘરના આંગણામાં રમી રહેલા માસુમ બાળકો પર મકાનની આગળની દીવાલ અચાનક ધરાશાયી થતાં બે નાના બાળકો દટાઈ ગયા હતા, જેમાં બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. આ કાળજું કંપાવી દેનારી હોનારતથી સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં ભારે અરેરાટી સાથે ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, ખાટા ગામે પગી પરિવારના બે ભૂલકાંઓ રાધિકાબેન અજમેલભાઈ પગી,ઉંમર: ૩ વર્ષ અને
આયુષ સંજયભાઈ પગી ઉંમર: ૨ વર્ષ ઘરના આંગણામાં રમી રહ્યા હતા. એવામાં અચાનક જ મકાનના આગળના ભાગની દીવાલ ધરાશાયી થઈ હતી. ધડાકાભેર દીવાલ ખાબકતા જ રમતા બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવી બાળકોને બહાર કાઢ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે આ બંનેએ પ્રાણ ગુમાવ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તંત્ર દ્વારા જરૂરી પંચનામું (પંચક્યાસ) કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તથા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એક જ પરિવારના બે-બે માસુમ બાળકોના આકસ્મિક અવસાનથી પગી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર ખાટા ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
