(અમદાવાદ)
ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગાની આન-બાન-શાન સાથે નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ના સંતો,રાજકીય આગેવાનો, નાગરિકો, યુવાનો તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જોડાતા સમગ્ર મણિનગર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા તિરંગા રેલીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસ્થાનના મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાનના સંતો પણ રેલીમાં જોડાયા હતા.

ખાસ કરીને ભગવા વસ્ત્રોમાં સજ્જ સ્વામિનારાયણ સંતોના હાથમાં લહેરાતો તિરંગો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ભગવો રંગ સંન્યાસ અને આધ્યાત્મિકતાનું પ્રતીક તો તિરંગો રાષ્ટ્રની આન-બાન-શાનનું પ્રતીક બનતાં સંતોના આ દૃશ્યમાં ધર્મ, ભક્તિ અને દેશભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સંતોના હૈયામાં આધ્યાત્મિક ભાવ સાથે હાથમાં રાષ્ટ્રધ્વજ અને મુખે દેશભક્તિના નારા રેલીમાં વિશેષ આકર્ષણ સર્જી રહ્યા હતા.
રેલી દરમિયાન સમગ્ર માર્ગ ‘ભારત માતા કી જય’ સહિતના દેશભક્તિના નારાથી ગુંજી ઊઠ્યો હતો. તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ અને સંતો દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવાતા મણિનગરનો માહોલ જાણે રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયો હતો. ધારાસભ્યો, કોર્પોરેટરો સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ પણ રેલીમાં ઉપસ્થિત રહી દેશભક્તિના આ પર્વમાં સહભાગી બન્યા હતા.

મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાનો સંદેશ આપતાં સૌને દેશના વિકાસ અને પ્રગતિમાં સહભાગી બનવા આહ્વાન કર્યું હતું.
મણિનગરની આ તિરંગા રેલીમાં ‘ભગવો રંગાયો રાષ્ટ્રપ્રેમમાં’ તેવો નજારો જોવા મળ્યો હતો. સંતોના ભગવા વસ્ત્રો વચ્ચે લહેરાતો તિરંગો માત્ર એક દૃશ્ય નહોતો, પરંતુ આધ્યાત્મિકતા સાથે રાષ્ટ્રનિષ્ઠા અને ભક્તિ સાથે દેશપ્રેમના સંકલ્પનું જીવંત પ્રતીક બની રહ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે કાર્યરત સંસ્થા તરીકે ઓળખાય છે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલી આ રેલી દ્વારા ધર્મ અને રાષ્ટ્રપ્રેમ વચ્ચેના અતૂટ સંબંધનો સુંદર સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
