આઝાદીના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ઘોઘંબા તાલુકાના સમરસ ભીલોડ ગામે ભવ્ય તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા કિસાન મોરચાના યુવા મહામંત્રી તથા ભીલોડ ગામના સામાજિક અને સહકારી આગેવાન જયપાલસિંહ રાઠોડની આગેવાનીમાં યોજાયેલી આ તિરંગાયાત્રામાં સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું.
તિરંગો હાથમાં લઈ દેશભક્તિના નારા લગાવતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની કતારોએ ભીલોડના માર્ગો પર અનોખું દેશભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. ‘વંદે માતરમ્’ અને ‘ભારત માતા કી જય’ના નારાથી સમગ્ર ભીલોડ ગુંજી ઉઠ્યું હતું. રાષ્ટ્રધ્વજના સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે યોજાયેલી યાત્રાએ ગ્રામજનોમાં દેશદાઝ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ પ્રસરાવ્યો હતો.

તિરંગાયાત્રામાં મોડેલ ડે સ્કૂલ તથા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આંગણવાડી કાર્યકર બહેનો અને આશાવર્કર બહેનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓના હાથમાં લહેરાતા તિરંગા અને દેશભક્તિના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી તરબોળ બની ગયું હતું.
આ પ્રસંગે પંચમહાલ જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી તથા ભીલોડ ગામના સામાજિક અને સહકારી આગેવાન જયપાલસિંહ રાઠોડ, ઘોઘંબા તાલુકા પંચાયતની ન્યાય સમિતિના ચેરમેન કનુભાઈ ચૌહાણ, એ.પી.એમ.સી. ઘોઘંબાના ડિરેક્ટર કિરપાલસિંહ રાઠોડ સહિત ગામના સામાજિક, સહકારી અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં કિસાન મોરચાના ઉપપ્રમુખ બલવંતસિંહ જાદવ, ભગવાનસિંહ જાદવ, હસમુખભાઈ ચૌહાણ, જેઠીસિંહ રાજપૂત, શૈલેષ પરમાર, ખુશાલભાઈ ચૌહાણ, ઉમેશભાઈ રાઠવા, નજરુભાઈ રાઠવા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
તિરંગો માત્ર રાષ્ટ્રધ્વજ નથી, પરંતુ દેશની એકતા, અખંડિતતા અને શૌર્યનું પ્રતીક છે. ભીલોડ ગામે યોજાયેલી આ તિરંગાયાત્રામાં નાનાં ભૂલકાંથી લઈને વડીલો સુધી સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશપ્રેમની લાગણી વ્યક્ત કરી હતી. ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ અને ઉત્સાહે ‘હર ઘર તિરંગા’ અભિયાનના રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો.
