બરોડા હાઈ સ્કૂલ, અલકાપુરી ખાતે “મૂળ, પાંખો અને હાથ” અંતર્ગત વરસાદી પાણી સંચય પ્રકલ્પના ઉદ્ઘાટન પ્રસંગે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ અંગે વૈશ્વિક જાગૃતિ જગાવતો પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે “વોકમેન ઑફ ઇન્ડિયા” ડૉ. રાજુ એમ. ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે અંજલિબેન દવે, મંત્રી, શ્રી જગદીશ શુક્લાજી, નિયામક, આચાર્ય વિક્રાંત મુસાલે, સુનિતાજી, સોકલીન તથા વડોદરા મેરેથોન સહિત વિવિધ સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું.

“મૂળ, પાંખો, હાથ સાથે હૃદય પણ જરૂરી” છે.
મુખ્ય અતિથિ ડૉ. રાજુ એમ. ઠક્કરે વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું કે “મૂળ આપણને મૂલ્યો આપે છે, પાંખો આપણને દૃષ્ટિ આપે છે અને હાથ આપણને સેવા કરવાની શક્તિ આપે છે. પરંતુ આ ત્રણેય સાથે હૃદય જોડાય ત્યારે જ સાચું પરિવર્તન શક્ય બને છે.” તેમણે સમજાવ્યું કે મૂળ એટલે સંસ્કાર, પાંખો એટલે ભવિષ્યની દૃષ્ટિ, હાથ એટલે સેવા અને હૃદય એટલે પ્રકૃતિ પ્રત્યેની કરુણા. તેમણે વિદ્યાર્થીઓને આ સંદેશ આપ્યો કે પર્યાવરણનું રક્ષણ માત્ર એક દિવસની પ્રવૃત્તિ નહીં, પરંતુ જીવનશૈલી અને જવાબદારી બનવું જોઈએ.
શાળાના વરસાદી પાણી સંચય પ્રકલ્પને ડૉ.રાજુ એમ ઠક્કરે પાણી સંરક્ષણની એક મહત્વપૂર્ણ સ્થાનિક પહેલ ગણાવી અને જણાવ્યું કે આવી નાની શરૂઆત જ ભવિષ્યમાં મોટી પર્યાવરણીય ચળવળનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તેમણે તાજપુરાના વિરાટ નારાયણ વનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે વૃક્ષ વાવવું માત્ર શરૂઆત છે; દેશી વૃક્ષો, માટી, પાણી, પક્ષીઓ, પતંગિયાઓ અને સમગ્ર જૈવવિવિધતાનું સંવર્ધન કરીને જીવંત વનતંત્ર ઊભું કરવું એ સાચું લક્ષ્ય છે.

આ પ્રસંગે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ , સ્વસ્થ માટી, દેશી વૃક્ષો, જળસંરક્ષણ અને જૈવવિવિધતાને આવનારી પેઢીના જીવન સાથે જોડવાનો સંદેશ પણ આપવામાં આવ્યો.
શાળાની આ પહેલ સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસના લક્ષ્યો, ખાસ કરીને સ્વચ્છ પાણી, ગુણવત્તાયુક્ત શિક્ષણ, જવાબદાર વપરાશ, આબોહવા સંરક્ષણ અને જમીન પરના જીવનના સંરક્ષણ સાથે સુસંગત છે.
ભારતીય સંસ્કૃતિના “વસુધૈવ કુટુમ્બકમ્” અને “સંગચ્છધ્વં સંવદધ્વં” જેવા શાશ્વત સંદેશ સાથે આધુનિક પર્યાવરણીય વિચારધારાનું સુંદર સંયોજન આ કાર્યક્રમમાં જોવા મળ્યું.
કાર્યક્રમનો અંત વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીનો સંકલ્પ જગાવતાં થયો:

એક બાળક – એક વૃક્ષ.
એક પરિવાર – એક જળસંકલ્પ.
એક શાળા – એક જીવંત પર્યાવરણ પ્રયોગશાળા.
એક પેઢી – એક સુરક્ષિત પૃથ્વી.
“મૂળથી સંસ્કાર, પાંખોથી દૃષ્ટિ, હાથોથી સેવા અને હૃદયથી પરિવર્તન.”
આ સંદેશ સાથે બરોડા હાઈ સ્કૂલની આ પહેલ શાળાથી સમાજ અને સમાજથી સમગ્ર વિશ્વ સુધી પર્યાવરણ જાગૃતિનું પ્રેરણાદાયી બીજ બની છે.
