સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં આવેલા પીલોલથી આસોજ ગામને જોડતા રેલવે અંડરપાસ નજીક રાત્રિના સમયે મગર દેખાતા રાહદારીઓ અને વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. અંડરપાસના રોડ પર મગર આંટાફેરા મારતો નજરે પડતાં વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, પીલોલ-આસોજ ગામને જોડતા રેલવે અંડરપાસ પાસે રાત્રિના સમયે એક મગર રોડની વચ્ચે જોવા મળ્યો હતો. અચાનક મગર નજરે પડતાં વાહનચાલકોએ વાહનો થોભાવી દીધા હતા અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા તાત્કાલિક વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. દરમિયાન નેચર ફાઉન્ડેશનની રેસ્ક્યુ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને ટીમોએ સંયુક્ત રીતે મગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
વન વિભાગ અને નેચર ફાઉન્ડેશનની ટીમે ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે કાબૂમાં લઈ તેનું રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ મગરને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અંડરપાસ નજીક મગર દેખાવાની ઘટનાને પગલે સ્થાનિકોમાં રાત્રિના સમયે અવરજવર દરમિયાન સાવચેતી રાખવાની ચર્ચા શરૂ થઈ છે.
* વન વિભાગ અને નેચર ફાઉન્ડેશનની ટીમે સંયુક્ત રેસ્ક્યુ હાથ ધરી મગરને સલામત સ્થળે ખસેડ્યો
