15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન નક્કી કરાયું
ઘોઘંબા, તા. 6: સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાતા ‘હર ઘર તિરંગા’ અભિયાન અને તિરંગા યાત્રાના આયોજનના ભાગરૂપે ગુરુવારે ઘોઘંબા તાલુકા પંચાયત હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીને ભવ્ય અને જનભાગીદારીપૂર્ણ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી

આ બેઠક હાલોલ વિધાનસભા વિસ્તારના પ્રભારી રાજેન્દ્રસિંહ ચૌહાણ તથા કાલોલ વિધાનસભા વિસ્તાર હેઠળ આવતા ઘોઘંબા તાલુકાના પ્રભારી પરાગભાઈ પંડ્યાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક દરમિયાન 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસને અનુલક્ષીને દર વર્ષની જેમ તાલુકાવાસીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાના હેતુથી ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા તેમજ તાલુકાભરમાં તિરંગા યાત્રાના આયોજન અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

b
આ ઉપરાંત આગામી રાષ્ટ્રીય પર્વને ધ્યાનમાં રાખી વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. ગામેગામ વધુમાં વધુ લોકો જોડાય, દરેક ઘેર તિરંગો ફરકાવવામાં આવે અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બને તે માટે કાર્યકરોને જરૂરી જવાબદારીઓ પણ સોંપવામાં આવી હતી.
બેઠકમાં ઘોઘંબા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર, કિસાન મોરચાના જયપાલસિંહ રાઠોડ, છેલુભાઈ રાઠવા, મિત્તલભાઈ પટેલ, ગુણવંતસિંહ ગોહિલ, ભુપેન્દ્ર સોલંકી સહિત તાલુકાના સરપંચો, ભાજપના વિવિધ મોરચા અને સંગઠનોના પ્રમુખો, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકના અંતે તમામ કાર્યકરોએ રાષ્ટ્રીય પર્વની ઉજવણીને ઉત્સાહભેર અને સફળ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
