(વનરાજ સિંહ ખાંટ, માલપુર)
સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ભારતીય જનતા પાર્ટીના પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત ઈડર અને ખેડબ્રહ્મા વિધાનસભા મંડળનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. જેમાં ભાજપના પૂર્વ સંગઠન મંત્રી અતુલભાઈ દિક્ષિતે કાર્યકરોને બુથ મેનેજમેન્ટ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
અતુલભાઈ દિક્ષિતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં જીત માટે બુથ સૌથી મહત્વપૂર્ણ એકમ છે. તેમણે બુથ સમિતિના સભ્યોની જવાબદારીઓ, પેજ પ્રમુખો સાથે સતત સંપર્ક જાળવવાની પદ્ધતિ તેમજ બુથ સ્તરે વિવિધ સંગઠનાત્મક અને જનસંપર્કના કાર્યક્રમો કેવી રીતે યોજવા તે અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કાર્યકરોને બુથને વધુ સશક્ત બનાવી સંગઠનને મજબૂત કરવા આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમ જિલ્લા મહામંત્રી પ્રેમલભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ઈડર મંડળ પ્રમુખ પરેશભાઈ પટેલે મુખ્ય વક્તા અતુલભાઈ દિક્ષિતનો પરિચય કરાવ્યો હતો.
વર્ગનું સંકલન જિલ્લા ઉપપ્રમુખ સુરેશભાઈ પટેલ તથા વાલી જિલ્લા ઉપપ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે કર્યું હતું. જ્યારે ઈડર શહેર પ્રમુખ કૃણાલ કંસારા અને મહામંત્રી પિયુષભાઈ દવે સહિતના કાર્યકરોએ સમગ્ર કાર્યક્રમની સુચારુ વ્યવસ્થા સંભાળી હતી.
આ પ્રશિક્ષણ વર્ગમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહી બુથ મેનેજમેન્ટ અંગે ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું.
