ભારતીય હવામાન વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ આજ રાતથી શનિવાર સવાર સુધી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા તંત્રને હાઈ એલર્ટ અને સ્ટેન્ડ બાય મોડ પર મૂકી દેવામાં આવ્યું છે.
બચાવ અને રાહત કામગીરીની પૂર્વ તૈયારીઓની વિગતો જણાવતા જિલ્લા કલેક્ટર જણાવ્યું હતું કે,જિલ્લામાં તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સંબંધિત વિભાગોની ટીમો સક્રિય કરી દેવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન માટે પંચમહાલ જિલ્લામાં SDRF ની ૨(બે) અને NDRF ની ૧(એક) ટીમ હાલ ફિલ્ડમાં તૈનાત છે. નીચાણવાળા અને પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોની ટીમો દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ લોકોને અગાઉથી સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી રાત્રિના સમયે રેસ્ક્યુ કામગીરીમાં કોઈ મુશ્કેલી ન પડે.
વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે,જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ૨૪ કલાક વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓની નીમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ તાલુકાઓમાં વર્ગ-૧ ના અધિકારીઓ હાજર રહી સ્થાનિક પરિસ્થિતિ પર સતત નજર રાખશે. પોલીસ વિભાગ, પંચાયત વિભાગ, નગરપાલિકા અને માર્ગ-મકાન (R&B) વિભાગ સહિતના તમામ સરકારી તંત્રોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
પાવાગઢ યાત્રાધામ અંગે મહત્વના નિર્ણય વિશે કલેક્ટર જણાવ્યું કે,પાવાગઢ ખાતે આવતીકાલે સવારે જો ભારે વરસાદ ચાલુ રહેશે, તો સ્થાનિક તંત્ર દ્વારા સલામતીના પગલારૂપે પગથિયાં (માર્ગ) બંધ કરવામાં આવશે. પરિસ્થિતિ સામાન્ય અને સુરક્ષિત જણાયા બાદ જ યાત્રાળુઓ માટે માર્ગ ફરી ખુલ્લો મૂકવામાં આવશે.
જિલ્લા કલેક્ટર અજય દહિયાએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી ખુલ્લામાં નીકળવાનું ટાળવું. રસ્તા પર કે કૉઝવે પર પાણી વહી રહ્યું હોય કે ઓવરટોપિંગ થતું હોય ત્યારે કોઈપણ પ્રકારનું જોખમ લેવું નહીં અને વાહન પસાર કરવાનો પ્રયાસ કરવો નહીં.
SDRF ની બે અને NDRF ની એક ટીમ તૈનાત; નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું જરૂર જણાયે સ્થળાંતર કરાશે
ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ૨૪ કલાક વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓની નીમણૂક
નાગરિકોને વહેતા પાણીમાં વાહન ન ચલાવવા અને બિનજરૂરી બહાર ન નીકળવા કલેક્ટર શ્રી અજય દહિયાની અપીલ
