દેવગઢ બારિયા
ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી દેવગઢ બારિયા નગરપાલિકાની છ બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ રાજકીય રીતે અનેક સંદેશાઓ આપનારું રહ્યું છે. મતદારોએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી – ત્રણેય પક્ષોને સમાન રીતે બે-બે બેઠકો આપીને સંતુલિત જનાદેશ આપ્યો છે.
આ પરિણામે સ્પષ્ટ કર્યું છે કે દેવગઢ બારિયાના મતદારો હવે પરંપરાગત પક્ષવાદથી આગળ વધીને પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાની માનસિકતા ધરાવે છે. રાજકારણીઓ જેમ જરૂરિયાત મુજબ મતદારોનો સંપર્ક સાધે છે, તેવી જ રીતે મતદારોએ પણ કોઈ એક પક્ષને સંપૂર્ણ બહુમતી આપવાને બદલે ત્રણેય પક્ષો વચ્ચે બેઠકોનું સમાન વિતરણ કરીને અનોખો રાજકીય સંદેશ આપ્યો છે.
રાજકીય વિશ્લેષણ મુજબ આ પરિણામમાં સૌથી વધુ નુકસાન ભાજપને થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સત્તાધારી પક્ષ હોવા છતાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરવામાં ભાજપ નિષ્ફળ રહ્યું છે અને તેને રાજકીય રીતે ફટકો પડ્યો છે. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ પરિણામ ઉત્સાહજનક સાબિત થયું છે. બંને પક્ષોએ બે-બે બેઠકો જીતીને પોતાની હાજરી વધુ મજબૂત બનાવી છે.
દેવગઢ બારિયાની પેટાચૂંટણીનું પરિણામ હવે સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આ જનાદેશને મહત્વના રાજકીય સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.
