પ્રતિનિધિ માલપુર
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રીછવાડ ગામ નજીક બામણી તળાવ પાસે એક અજાણી વ્યક્તિની બિનવારસી હાલતમાં લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રોડ કિનારે લાશ પડેલી હોવાનું સ્થાનિકોએ જોતા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા.
ઘટનાની જાણ થતાં માલપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર મૃત્યુ થયું છે કે કેમ તે અંગે પણ તપાસ ચલાવી રહી છે.
પોલીસે મૃતકની ઓળખ અંગે માહિતી ધરાવતા લોકોને આગળ આવી પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે. સમગ્ર બનાવને લઈને સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્કો ચર્ચાઈ રહ્યા છે, જ્યારે પોલીસે તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સ્પષ્ટ થશે તેમ જણાવ્યું છે.
