(ગોકુળ પંચાલ)
ઘોઘંબા તાલુકાના પરોલી સ્થિત શ્રી જીરાવાલા પાશ્વનાથ જૈન તીર્થની પાવન ધરતી પર જૈન ધર્મના નિયમો અનુસાર ચાતુર્માસનો મંગલ પ્રારંભ ભક્તિભાવ અને ધર્મમય વાતાવરણ વચ્ચે યોજાયો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય જૈન સંતોના આગમન નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
કાર્યક્રમમાં પાવાગઢ જૈન મંદિરના પૂજ્ય પુરાણચંદ્રજી મહારાજ સાહેબ, કચ્છના પરમ પૂજ્ય પિયકર મહારાજજી, પરમ પૂજ્ય મુનિશ્રી દેવેન્દ્ર વિજયજી મહારાજ તેમજ સાધ્વીશ્રી પુરાણ કમલાશ્રીજીની પાવન નિશ્રામાં ચાતુર્માસ પ્રવેશ યોજાયો હતો. ચાતુર્માસ દરમિયાન આ તમામ સંતો પરોલી મુકામે ચાર માસ સુધી વિરમશે.
પરોલી ગામના મુખ્ય પ્રવેશદ્વારથી નીકળેલી શોભાયાત્રા પરોલી નગર માં ફરી હતી , ફરોડ, લાલપુરી, ખરખડી, વાડીનાથ, ભાણપુરા અને એરાલ સહિત આસપાસના વિસ્તારો ના ક્ષત્રિય સમાજ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ અને ભક્તો ઉમંગભેર જોડાયા હતા. સમગ્ર માર્ગ પર ભક્તોએ સંતોનું પુષ્પવર્ષા સાથે ભાવભીનુ સ્વાગત કર્યું હતું.
શોભાયાત્રા દરમિયાન જૈન મુનિશ્રીઓએ પરોલીના સુપ્રસિદ્ધ શ્રી નેમિનાથ ભગવાનના મંદિર તથા રાજરાજેશ્વરી મેલડી માતાજી મંદિર ખાતે દર્શન કરીને સર્વધર્મ સમભાવ અને સૌહાર્દનો સુંદર સંદેશ આપ્યો હતો. ત્યારબાદ યાત્રાનું સમાપન શ્રી જીરાવાલા પાશ્વનાથ ભગવાનના મંદિર પરિસરમાં થયું.

આ અવસરે આયોજિત ધાર્મિક સભામાં પરમ પૂજ્ય આચાર્ય કાર્યદક્ષ જગતચંદ્ર મહારાજના અધૂરા રહેલા લોકસેવાના સપનાઓને સાકાર કરવાની દિશામાં કાર્ય આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. ખાસ કરીને હોસ્પિટલ સ્થાપનાના તેમના સ્વપ્નને સાકાર કરવા માટે સમાજના સહયોગથી નવી શરૂઆત કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આયોજકોએ ચાતુર્માસ દરમિયાન યોજાનારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાવા માટે સૌ ભક્તોને જાહેર આમંત્રણ પાઠવ્યું હતું.
