કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને આવકારતાં પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ગોધરામાં ચોકલેટનું વિતરણ કરી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.
યુવા કોંગ્રેસના જણાવ્યા અનુસાર, નીટ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલા ગેરવહીવટ અને પેપર લીકની ઘટનાઓને કારણે દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને યુવાનોનું ભવિષ્ય જોખમમાં મુકાયું હતું. આ મુદ્દે દેશભરમાં યુવાનો દ્વારા લાંબા સમય સુધી લોકશાહી ઢબે આંદોલન ચલાવવામાં આવ્યું હતું. જેના પરિણામે સરકારને યુવાનોની માંગણીઓ સ્વીકારવી પડી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોવાનું યુવા કોંગ્રેસે જણાવ્યું.
આ પ્રસંગે ગોધરાના ચર્ચ નજીક પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ મિકી જોસેફના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યકર્તાઓએ ઉપસ્થિત યુવાનો અને નાગરિકોને ચોકલેટનું વિતરણ કરી લોકશાહીમાં યુવાનોની એકતા, શક્તિ અને સંઘર્ષને બિરદાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન યુવાનોના અધિકારોના રક્ષણ, પારદર્શક પરીક્ષા વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના હિતમાં મજબૂત પગલાં ભરવાની માંગ સાથે સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
