કાલોલ તાલુકાના અલવા ગામમાં ખેતમજૂરીના મુદ્દે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ૨૦ જુલાઈના રોજ બનેલી આ ઘટનામાં લાકડીઓ અને લોખંડની પાઈપોનો ઉપયોગ થયો હતો, જેમાં બંને પક્ષે મહિલાઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. આ મામલે કાલોલ પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી કુલ ૮ લોકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.પ્રથમ પક્ષના ફરિયાદી કિરીટભાઈ જાલમભાઈ પરમારની ફરિયાદ મુજબ, ૨૦ જુલાઈના રોજ સવારે આઠ વાગ્યે તેમની કુટુંબી ભત્રીજા વહુ કપિલાબેન સંજયભાઈ પરમારે તેમની પત્ની ભાવનાબેનને ખેતરમાં મજૂરીએ ન આવવા બાબતે ઝઘડો કર્યો હતો. કિરીટભાઈએ ઝઘડો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કપિલાબેને તેમના પતિ સંજયભાઈ અને રાહતળાવથી સાળા ભરતભાઈ માસુકભાઈ રાઠોડ તથા સુરેશભાઈ ઉર્ફે લાલાભાઈ જશવંતભાઈ રાઠોડને બોલાવ્યા હતા.
આરોપીઓ લાકડીઓ અને લોખંડની પાઈપો સાથે આવી ગાળો બોલી હુમલો કર્યો હતો. આ હુમલામાં ભાવનાબેન, તેમની દીકરીઓ આરતીબેન અને હરસિદ્ધિબેન તેમજ કિરીટભાઈને હાથ અને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ ઘર આગળ મૂકેલી એક્ટિવામાં તોડફોડ કરી જાનથી મારી નાખવાનીધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે મલાવ અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે સંજયભાઈ રામાભાઈ પરમાર, કપિલાબેન સંજયભાઈ પરમાર, ભરતભાઈ માસુકભાઈ રાઠોડ અને સુરેશભાઈ ઉર્ફે લાલાભાઈ જશવંતભાઈ રાઠોડ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સામા પક્ષના ફરિયાદી કપિલાબેન સંજયભાઈ પરમારે વળતી ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે તેઓ ઘર આગળ કચરો વાળતા હતા ત્યારે કાકી સાસુ ભાવનાબેન કિરીટભાઈ પરમારે ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ગાળો બોલવાની ના પાડતા ભાવનાબેન અને તેમના પતિ કિરીટભાઈએ તેમને ઘરમાંથી બહાર ખેંચી ગડદાપાટુનો માર માર્યો હતો.આ દરમિયાન કાકા સસરા વિજયભાઈ જાલમભાઈ પરમારે તેમની પીઠના ભાગે લાકડીઓ મારી હતી અને દીકરી નેહા વચ્ચે પડતા તેના વાળ પકડી માર માર્યો હતો.
ત્યારબાદ પતિ સંજયભાઈ શાકભાજી લઈને ઘરે આવતા તેઓ પૂછપરછ કરવા જતાં કિરીટભાઈએ લાકડી વડે તેમના ગાલ અને પીઠ પર ઘા ઝીંક્યા હતા. આ ઉપરાંત બીજા દિવસે મુકેશભાઈ કાંતિભાઈ પરમારે પણ ઘરે આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો છે.
પોલીસે ભાવનાબેન કિરીટભાઈ પરમાર, કિરીટભાઈ જાલમભાઈ પરમાર, વિજયભાઈ જાલમભાઈ પરમાર અને મુકેશભાઈ કાંતિભાઈ પરમાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
