સીજેપી (કોકરોચ જનતા પાર્ટી)ના પ્રદર્શનને ભલે તેના સ્થાપક અભિજીત દીપકેના ચહેરા સાથે ઓળખવામાં આવી રહ્યું હોય, પરંતુ આ સમગ્ર આંદોલનની સાચી શક્તિ મંચની પાછળ કાર્યરત એવી કોર ટીમ હતી, જેણે સંગઠનને ઉભું કરવાથી લઈને આંદોલનને વ્યાપક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ ટીમમાં વકીલો, પત્રકારો, પબ્લિક પોલિસી નિષ્ણાતો, સામાજિક કાર્યકરો તેમજ વિદ્યાર્થી આંદોલન સાથે જોડાયેલા કાર્યકરોનો સમાવેશ થાય છે. સીજેપીના જણાવ્યા અનુસાર, કોઈપણ આંદોલનની સફળતા માત્ર મંચ પરથી ભાષણ આપતા ચહેરાઓથી નક્કી થતી નથી, પરંતુ વ્યૂહરચના ઘડનાર, મીડિયા સંકલન કરનાર, કાનૂની તૈયારી સંભાળનાર, જનસંપર્ક મજબૂત બનાવનાર અને સંગઠનને ગતિ આપનાર લોકો તેની સાચી તાકાત હોય છે.

વૈષ્ણવી પબ્લિક પોલિસીની નિષ્ણાત અને મુખ્ય પ્રવક્તા દિલ્હીની રહેવાસી વૈષ્ણવી સીજેપીની મુખ્ય પ્રવક્તાઓમાંની એક છે. તેઓ પબ્લિક પોલિસીની નિષ્ણાત છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો ઉપરાંત વિવિધ સંશોધન સંસ્થાઓ સાથે લગભગ પાંચ વર્ષ સુધી કાર્ય કરી ચૂક્યા છે. નીતિ નિર્માણ અને શિક્ષણ ક્ષેત્રના તેમના અનુભવનો ઉપયોગ સંગઠનની વ્યૂહરચના ઘડવામાં કરવામાં આવ્યો છે.
આફરીન યુવાઓ અને વિદ્યાર્થીઓના મુદ્દાઓનો અવાજ બેંગલુરુની રહેવાસી આફરીને એમબીએ કર્યા બાદ ખાનગી ક્ષેત્રમાં નોકરી કરી હતી. પરંતુ શિક્ષણ વ્યવસ્થા અને વિદ્યાર્થીઓની સમસ્યાઓને નજીકથી સમજ્યા બાદ તેમણે સામાજિક કાર્ય માટે પોતાને સમર્પિત કરવાનો નિર્ણય લીધો. સીજેપીમાં તેઓ પ્રવક્તા તરીકે કાર્ય કરે છે અને યુવાનો તથા વિદ્યાર્થી સમુદાયના પ્રશ્નોને પ્રાથમિકતા આપે છે.
દીપક બાલિયાન ખેડૂત પરિવારમાંથી આંદોલન સુધી રાજસ્થાનના અલવર જિલ્લાના ખેડૂત પરિવારમાંથી આવતા દીપક બાલિયાને રાજનીતિશાસ્ત્રમાં અનુસ્નાતક અભ્યાસ કર્યો છે. ખેડૂતો અને યુવાનોના મુદ્દાઓ પર કાર્ય કર્યા બાદ તેમણે પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થાની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સીજેપી સાથે જોડાવાનો નિર્ણય લીધો. તેઓ સંગઠનમાં પ્રવક્તા તરીકે ગ્રામ્ય યુવાનો અને વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવે છે.

રત્ના સિંહ કાનૂની મોરચાની જવાબદારી સીજેપીના તમામ કાનૂની મામલાઓની જવાબદારી એડવોકેટ રત્ના સિંહ સંભાળી રહ્યા છે. તેઓ પત્રકારિતા અને વકીલાત બંને ક્ષેત્રમાં અનુભવ ધરાવે છે. અગાઉ તેઓ સ્ક્રોલ અને બાર એન્ડ બેન્ચ જેવા કાનૂની મીડિયા સંસ્થાઓમાં પત્રકાર તરીકે કાર્યરત હતા. ત્યારબાદ તેમણે વકીલાત શરૂ કરી અને હાલ ઉચ્ચ ન્યાયાલયમાં પ્રેક્ટિસ કરે છે.
આશુતોષ રાંકા સામાજિક આંદોલનોનો અનુભવ જયપુરના આશુતોષ રાંકા લાંબા સમયથી વિવિધ સામાજિક આંદોલનો સાથે જોડાયેલા છે. સીજેપીમાં જોડાયા પહેલાં તેઓ ‘પરિવર્તન’ નામનું સંગઠન ચલાવતા હતા. આ સંસ્થા મારફતે તેમણે અરાવલી સંરક્ષણ, ડોલ કા બાડ જંગલ બચાવો અને નીટ પરીક્ષા જેવા મુદ્દાઓ પર અભિયાન ચલાવ્યાં હતા. તેમણે આઈઆઈટી કાનપુરમાંથી બીટેક અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી માસ્ટર્સ કર્યું છે. ત્યારબાદ લંડનમાં મેકિન્સે કંપનીમાં પણ સેવા આપી હતી.
સૌરવ દાસ મીડિયા અને સંચારની જવાબદારી દિલ્હીના રહેવાસી સૌરવ દાસ સીજેપીના મુખ્ય પ્રવક્તા છે. તેમણે પત્રકારિતા અને જનસંચારનો અભ્યાસ કર્યો છે અને સ્વતંત્ર શોધખોળ પત્રકાર તરીકે પણ કાર્ય કર્યું છે. સંગઠનના મુદ્દાઓને અસરકારક રીતે મીડિયા સમક્ષ રજૂ કરવાની જવાબદારી તેઓ સંભાળી રહ્યા છે.
સિદ્ધાંત સોશિયલ મીડિયા પાછળનો ચહેરો આજના સમયમાં સોશિયલ મીડિયા કોઈપણ સંગઠનની ઓળખ અને પહોંચ વધારવાનું મહત્વનું માધ્યમ બની ગયું છે. સીજેપીની સોશિયલ મીડિયા કામગીરીમાં વિદ્યાર્થી સિદ્ધાંતનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેઓ પડદા પાછળ રહી સોશિયલ મીડિયા મારફતે સંગઠનની પ્રવૃત્તિઓને વ્યાપક સ્તરે પહોંચાડવાનું કાર્ય સંભાળી રહ્યા છે.
પ્રદર્શન સમિતિ પણ સક્રિય સીજેપી પાસે અલગ પ્રદર્શન સમિતિ પણ છે. સમિતિના સભ્યો ધરણા સ્થળની વ્યવસ્થાઓ પર નજર રાખે છે અને કાર્યકરો વચ્ચે વિવિધ જવાબદારીઓનું વિતરણ કરે છે. આ સમિતિમાં રામ, અજિંક્ય, ઉજ્જ્વલ, મોહન, પ્રેમ પ્રકાશ, ફરહાન, રેખા, સુધીર, અક્ષય શિંદે, ડીકે, વિવેક, મુકેશ અને આરિફ સહિતના સભ્યો સામેલ છે. જ્યારે મીડિયા વ્યવસ્થાપનની જવાબદારી ઊર્જા અને વિવેક સંભાળી રહ્યા છે, ત્યારે સાઉન્ડ સિસ્ટમની જવાબદારી આદિત્યએ સંભાળી હતી.
