કાજર બારીયા (છોટાઉદેપુર)
અવધ એક્સપ્રેસ, તા.૧૫
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આજે છોટાઉદેપુર ખાતે રાજ્યકક્ષાના ‘જનજાતીય ગૌરવ દિવસ’ ની અત્યંત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુરના એસ.એન કોલેજ ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ તૈયાર કરીને આ રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ ભવ્ય રોડ શોમાં જોડાઈને જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીએ આદિવાસીઓને રૂ.૨૩૧૧ કરોડના લાભો, ૧૦૯ વિકાસ કામોની ભેટ તેમજ ૧૮,૮૨૮થી વધુ લાભાર્થીઓને વન અધિકાર પત્રો એનાયત કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારે જનજાતીય ગૌરવ દિવસને વિકાસના કામોનો દિવસ બનાવ્યો છે. આજે આદિવાસી વિસ્તારોમાં કુલ રૂ.૨૩૧૧ કરોડના વિવિધ લાભો તેમજ ૧૦૯ વિકાસ કામોની ભેટ આપવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત ૧૮,૮૨૮ થી વધુ લોકોને વન અધિકાર પત્રો એનાયત કરવામાં આવ્યા છે, જ્યારે ૨૭,૩૨૩ જેટલા વ્યક્તિગત લાભો સીધા લાભાર્થીઓને આપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે આગામી ૫ વર્ષમાં આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે ૨ લાખ કરોડ રૂપિયાના વિકાસકામોનું આયોજન કરવામાં આવ્યું છે.આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અને ૨૨,૫૦૦ થી વધુ સ્માર્ટ ક્લાસ શરૂ થવાથી શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. આ ઉપરાંત સ્થાનિક ઉત્પાદનો અને રોજગારીને વેગ આપવા માટે સાપ્તાહિક હાટ પણ શરૂ કરવામાં આવ્યા છે.
જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસી સમાજના ગૌરવશાળી ઈતિહાસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ થયેલા પરિવર્તનનો ઉલ્લેખ કર્યો હતો. સી.એમએ જણાવ્યું હતું કે આપણી વિવિધતાસભર સંસ્કૃતિમાં આદિવાસી સમાજનું આગવું મહત્વ છે અને આ સમાજની બલિદાનની ભાવના અત્યંત વિશિષ્ટ રહી છે. દેશ અને સમાજને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે આદિવાસી સમાજ હંમેશા અગ્રેસર રહ્યો છે.મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે અને તેમની જનકલ્યાણકારી નીતિઓને કારણે દેશના ૫૦ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.
