આદિવાસી સંસ્કૃતિ, લોકપરંપરા અને રીતરિવાજોની આગવી ઓળખ ધરાવતા દાહોદ જિલ્લામાં આજે પણ અનેક પ્રાચીન પરંપરાઓ પેઢી દર પેઢી જીવંત રહી છે. આવી જ એક અનોખી અને રસપ્રદ પરંપરા આદિવાસી પટેલીયા સમાજમાં દિવાળીના પર્વ દરમિયાન જોવા મળે છે. જેમાં દિવાળીના ત્રણ દિવસ દરમિયાન ગામ અને ફળિયામાંથી રોગને બહાર કાઢવાની પ્રતીકાત્મક વિધિ કરવામાં આવે છે.
આ પરંપરા મુજબ ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળીની રાત્રે ગામના દરેક ઘરમાંથી એક વ્યક્તિ ઘરમાંથી એક ઠીકરું લઈને બહાર નીકળે છે. આ ઠીકરામાં કોલસા, ઘી, ભાત, રોટલો સહિતની વિવિધ વસ્તુઓ મૂકવામાં આવે છે. ત્યારબાદ ટીટીયાથી ઠીકરાને ઠોકતાં ઠોકતાં ઘરની બહાર લાવવામાં આવે છે. ફળિયા કે શેરીમાં રહેતા તમામ પરિવારોમાંથી એક-એક વ્યક્તિ આ રીતે ઠીકરું લઈને શેરીના ઝાંપા સુધી પહોંચે છે.

આ વિધિ દરમિયાન ત્રણેય દિવસ અલગ અલગ રોગોને ગામમાંથી દૂર કરવાની લોકમાન્યતા સાથે વિશેષ પ્રકારની કરિયાટી કરવામાં આવે છે. ધનતેરસની રાત્રે ઠીકરું કાઢતી વખતે,
‘રોગ ધોધ જાજે ભરે માળવે અબૂબૂબૂબૂબૂ…’
કાળી ચૌદશની રાત્રે,
‘તાવ તહર્યો જાજે ભરે માળવે અબૂબૂબૂબૂબૂ…’
અને દિવાળીની રાત્રે,
‘ગડા ગૂમડાં જાજે ભરે માળવે અબૂબૂબૂબૂબૂ…’
એવી બૂમો પાડવામાં આવે છે. શેરીના તમામ લોકો એકસાથે ઠીકરાં લઈને ઝાંપા સુધી પહોંચે છે અને ત્યાં જોરશોરથી કરિયાટી કરીને આ વિધિ પૂર્ણ કરે છે. ત્યારબાદ ઠીકરાંને ત્યાં જ નાખી દેવામાં આવે છે. ખાસ માન્યતા મુજબ ઠીકરાં નાખ્યા બાદ પાછળ ફરીને જોવાનું હોતું નથી. વિધિ પૂર્ણ કર્યા બાદ લોકો ઘરે જઈ સ્નાન કરે છે.
આદિવાસી પટેલીયા સમાજમાં આ પરંપરા પાછળ એવી લોકમાન્યતા રહેલી છે કે દિવાળીના આ પવિત્ર દિવસોમાં ગામમાંથી રોગ, તાવ અને અન્ય બીમારીઓને પ્રતીકાત્મક રીતે બહાર કાઢવામાં આવે છે, જેથી આખા વર્ષ દરમિયાન ગામના લોકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે. આ પરંપરા માત્ર ધાર્મિક આસ્થા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમાજની સામૂહિક એકતા, સહભાગિતા અને પેઢીઓથી જળવાયેલા સાંસ્કૃતિક વારસાનું પણ પ્રતીક છે.
આધુનિક સમય અને બદલાતી જીવનશૈલી વચ્ચે પણ દાહોદ જિલ્લાના આદિવાસી પટેલીયા સમાજે પોતાની આ આગવી લોકપરંપરાને જીવંત રાખી છે. આવી પરંપરાઓ આદિવાસી સમાજની સાંસ્કૃતિક ઓળખ અને પૂર્વજોના વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહી છે.
