ગાંધીનગર : તાજેતરમાં યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ ભાજપે ફરી એકવાર સત્તા જાળવી રાખી છે. મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી બાદ તમામ નવનિયુક્ત પદાધિકારીઓએ વિધિવત રીતે પોતપોતાનો પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે ભાજપના આગેવાનો, ચૂંટાયેલા કાઉન્સિલરો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ પટેલે પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે તેમણે પાટનગરના વિકાસને નવી ગતિ આપવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. શહેરમાં માળખાગત સુવિધાઓનું વિસ્તરણ, નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવી અને વિકાસનાં કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે પ્રાથમિકતાના ધોરણે કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે જશપાલસિંહ બિહોલા અને દંડક તરીકે સેજલબેન કનુભાઈ પરમારે પણ વિધિવત રીતે પોતાની નવી જવાબદારીઓ સંભાળી હતી. નવનિયુક્ત હોદ્દેદારોએ પક્ષના મોવડીમંડળ દ્વારા તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરી ભાજપની વિકાસલક્ષી વિચારધારાને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
પદભાર સંભાળવાના આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ નવનિયુક્ત હોદ્દેદારોનું અભિવાદન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ખાસ કરીને ભાજપનાં નેતા અને ગાંધીનગરનાં ધારાસભ્ય રીટાબેન પટેલે ગાંધીનગર મહાનગરપાલિકાની રૂબરૂ મુલાકાત લીધી હતી અને નવા હોદ્દેદારોને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.
નવનિયુક્ત પદાધિકારીઓએ પણ પાટનગરના સર્વાંગી વિકાસને વેગ આપવા, નાગરિકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા અને શહેરને વધુ સુવિધાસભર બનાવવા સાથે મળીને કામગીરી કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
