અમદાવાદ : અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તથા નાગરિકોને ઘરઆંગણે પોલીસની સુવિધા મળી રહે તે હેતુથી શહેરમાં વધુ ત્રણ નવા પોલીસ સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા છે. દિવાળી અને રમા એકાદશીના પવિત્ર અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મોટેરા, વસ્ત્રાલ અને હંસપુરા ખાતે નવનિર્મિત પોલીસ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ત્રણ પોલીસ સ્ટેશનો કાર્યરત થતાં અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશનોની સંખ્યા 49થી વધીને 52 થઈ છે.
લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત નાગરિકો અને પોલીસ પરિવારને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નવા પોલીસ સ્ટેશનો શરૂ થવાથી સ્થાનિક નાગરિકોને ફરિયાદ, રજૂઆત કે અન્ય પોલીસ કામગીરી માટે દૂર સુધી જવાની જરૂર નહીં પડે. આના પરિણામે નાગરિકોના સમય અને શ્રમની બચત થશે. ખાસ કરીને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા મોટેરા પોલીસ સ્ટેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મોટા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કાર્યક્રમો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પણ આ પોલીસ સ્ટેશન ઉપયોગી બનશે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં કરોડો રૂપિયાના એમ.ડી. અને હેરોઇન ડ્રગ્સ સાથે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવા બદલ પોલીસ ટીમની કામગીરીને બિરદાવી હતી. નવરાત્રિ મહોત્સવ દરમિયાન લાખો ખેલૈયાઓને સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવા રાતભર ફરજ બજાવનાર પોલીસ કર્મચારીઓની પણ તેમણે પ્રશંસા કરી હતી. સાથે જ ઔદ્યોગિક અને વેપારી વિસ્તારોમાં સુરક્ષા જાળવવા બદલ સમગ્ર પોલીસ બેડાનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુનેગારોમાં કાયદાનો ડર, સામાન્ય નાગરિકો સાથે સન્માનજનક વર્તન જરૂરી
પોલીસ કર્મચારીઓને સંબોધતા હર્ષ સંઘવીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, અસામાજિક તત્ત્વો અને ગુનેગારોમાં કાયદાનો કડક ડર હોવો જોઈએ, પરંતુ જ્યારે કોઈ સામાન્ય કે ગરીબ નાગરિક ફરિયાદ લઈને પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે તેની સાથે આદરપૂર્વક વર્તન કરવું જોઈએ. તેની રજૂઆત શાંતિથી સાંભળીને ઝડપી ન્યાય મળે તેવો સંવેદનશીલ અભિગમ પોલીસ કર્મચારીઓએ અપનાવવો જરૂરી છે.
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને તેમણે પોલીસ તંત્રને નાના પાથરણાવાળા, લારી-ગલ્લાધારકો અને નાના વેપારીઓને સહયોગ આપવા પણ અપીલ કરી હતી. નાના વેપારીઓ મોડી રાત સુધી શાંતિપૂર્ણ રીતે વેપાર કરી શકે અને તહેવારની ખુશી માણી શકે તે માટે પોલીસે મિત્રભાવ સાથે કામગીરી કરવી જોઈએ. સાથે જ નાગરિકોને પણ નાના વેપારીઓ પાસેથી ખરીદી કરતી વખતે વધુ પડતો ભાવતાલ ન કરીને તેમની રોજીરોટીમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
પોલીસ જવાનોની ફરજનિષ્ઠાને બિરદાવતાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓ 18-18 કલાક સુધી લોકસુરક્ષા માટે ફરજ બજાવે છે. જોકે, ફરજ પૂર્ણ કરીને ઘરે પહોંચ્યા બાદ પરિવાર સાથે પ્રેમાળ પુત્ર, પતિ અને પિતા તરીકે સમય વિતાવી દિવાળીનો તહેવાર ઉમંગભેર ઉજવવો જોઈએ.
આ લોકાર્પણ સમારોહમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક, સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો અલ્પેશજી ઠાકોર, પાયલબેન કુકરાણી અને કંચનબેન રાદડિયા, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, પ્રકાશભાઈ પટેલ, પરાગ શાહ સહિતના લોકપ્રતિનિધિઓ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ત્રણ નવા પોલીસ સ્ટેશનો શરૂ થવાથી અમદાવાદના મોટેરા, વસ્ત્રાલ અને હંસપુરા સહિત આસપાસના વિસ્તારોમાં પોલીસની પહોંચ વધશે અને સ્થાનિક નાગરિકોને પોલીસ સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે.
