અવધ એક્સપ્રેસ | ડેસર
ડેસર તાલુકાના લટવા ગામના પૂર્વ સરપંચ કુસુમબેન સોલંકીના સહયોગથી તથા લાઈફ મિશન સંસ્થાના વડોદરા જિલ્લા ગ્રામીણ વિસ્તારના કન્વીનર પરમાર્થી જયુભા ઝાલાના માર્ગદર્શન હેઠળ લાલખા પ્રાથમિક શાળા, દરકુંડી પ્રાથમિક શાળા અને વાઘા પ્રાથમિક શાળામાં યોગ શિબિરો યોજાઈ હતી.
ત્રણેય શાળાઓમાં ધોરણ 1થી 5ના આશરે 185 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગાસન અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. શિબિર દરમિયાન બાળકોને વિવિધ યોગાસનો અને પ્રાણાયામની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. સાથે જ લાઈફ મિશન સંસ્થા, લકુલીશ યોગ યુનિવર્સિટી તથા સંસ્થાના આશ્રમો દ્વારા ચાલી રહેલી વિવિધ સેવાકીય અને યોગલક્ષી પ્રવૃત્તિઓ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
યોગ શિક્ષક તરીકે આમ્રપાલીબેન પંચાલ, દેવર્ષિબેન પટેલ અને ભાવનાબેન ડોડીયાએ સેવા આપી હતી. જ્યારે આમ્રપાલીબેન પંચાલ, દેવર્ષિબેન પટેલ, ભાવનાબેન ડોડીયા તથા અલ્પાબેન પંચાલ દ્વારા વિવિધ યોગાસનોનું સુંદર નિદર્શન કરવામાં આવ્યું હતું. લાભુબેન કાલરીયા અને મનસુખભાઈ કાલરીયાએ શિબિરમાં સહાયક તરીકે સેવા આપી હતી.

ત્રણેય શિબિરો દરમિયાન લટવા ગામના પૂર્વ સરપંચ કુસુમબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. લકુલીશ પ્રબોધન અભિયાન અંતર્ગત સંસ્કાર કેન્દ્રોની સ્થાપના માટે ડેસર તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લેવાની સાથે નવા સંસ્કાર કેન્દ્રોની સ્થાપના માટે પણ તેઓ સતત કાર્યરત હોવાનું જણાવાયું હતું.
શિબિરોના સફળ આયોજનમાં ત્રણેય શાળાના આચાર્યો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓનો સહયોગ મળ્યો હતો. કાર્યક્રમના અંતે લાઈફ મિશન સંસ્થા અને લકુલીશ યોગ વિદ્યાલય વતી પરમાર્થી જયુભા ઝાલાએ ગામના આગેવાન કુસુમબેન સોલંકી તેમજ ત્રણેય શાળાના આચાર્યો કિરણભાઈ પટેલ, મનોજભાઈ પટેલ અને હરિશ્ચંદ્રસિંહ રાઠોડ સહિત શિક્ષકગણ અને વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
