આમ આદમી પાર્ટીએ વીડિયો શેર કરતાં દિલ્હીની રાજનીતિમાં ગરમાવો; યુવક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવ્યાનો દાવો
નવી દિલ્હી: દિલ્હીમાં રસ્તાના બાંધકામના કામ અંગે સવાલ ઉઠાવવો એક યુવકને ભારે પડ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં દિલ્હીની સરકારના ઉપમુખ્યમંત્રી અને PWD મંત્રી પ્રવેશ વર્મા રસ્તાના બાંધકામમાં કથિત ભ્રષ્ટાચાર અંગે સવાલ કરી રહેલા એક યુવકને થપ્પડ મારતા દેખાઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ વીડિયો સામે આવ્યા બાદ દિલ્હીની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
ભાજપ તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન નહીં
આમ આદમી પાર્ટીનો આરોપ છે કે સ્થાનિક લોકો રસ્તાના બાંધકામમાં કથિત ભ્રષ્ટાચાર અંગે મંત્રીને સવાલ કરી રહ્યા હતા. આ દરમિયાન વીડિયો બનાવી રહેલા એક યુવક સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મંત્રીએ તેને થપ્પડ મારી હોવાનો AAPનો દાવો છે. ત્યારબાદ મંત્રીના સુરક્ષાકર્મીએ યુવકને સ્થળ પરથી દૂર કર્યો હતો.
આ મામલે પીડિત યુવક તરફથી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ સમગ્ર વિવાદ અંગે હજુ સુધી ભાજપ અથવા મંત્રી પ્રવેશ વર્મા તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.
અરવિંદ કેજરીવાલે કહ્યું સોમવારે ઘટનાસ્થળે જઈશ
ઘટના બાદ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ‘X’ પર પ્રતિક્રિયા આપી હતી અને જાહેરાત કરી હતી કે તેઓ સોમવારે ઘટનાસ્થળની મુલાકાત લેશે. કેજરીવાલે આ ઘટનાને લઈને વાંધો ઉઠાવતા મંત્રીની ધરપકડ કરવાની માંગ કરી હતી.
કેજરીવાલે વીડિયો સંદેશમાં આરોપ લગાવતા કહ્યું હતું કે રસ્તાના કામમાં કથિત ભ્રષ્ટાચાર કેમેરા સામે સામે આવતા વીડિયો રેકોર્ડ કરનાર યુવકને જ થપ્પડ મારવામાં આવી. તેમણે આક્ષેપ કર્યો કે આ પ્રકારનું વર્તન સ્વીકાર્ય નથી અને તેઓ પોતે તે રસ્તાની સ્થિતિનું નિરીક્ષણ કરવા જશે.
AAP ધારાસભ્યનો પણ વિરોધ
સ્થાનિક આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ પણ આ ઘટનાની નિંદા કરી હતી. ધારાસભ્યનો આરોપ છે કે ભાજપ સરકારના મંત્રી રસ્તાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, પરંતુ રસ્તાના કામ અંગે સવાલો ઉઠતાં તેમણે વીડિયો બનાવી રહેલા યુવક સાથે ગેરવર્તન કર્યું.
આ હાઈ-પ્રોફાઈલ ઘટનાને પગલે દિલ્હીની રાજનીતિમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને સોમવારે આ મુદ્દે વધુ રાજકીય નિવેદનબાજી થવાની શક્યતા છે.
પીડિત યુવકનો દાવો મારી હાજરીમાં જ મંત્રીએ હાથ ઉઠાવ્યો
પીડિત યુવક સાહેબે જણાવ્યું હતું કે તે સ્થાનિક ધારાસભ્ય માટે સોશિયલ મીડિયા સંબંધિત કામગીરી સંભાળે છે. તેમના જણાવ્યા મુજબ PWD વિભાગ દ્વારા રસ્તાની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે તેમને બોલાવવામાં આવ્યા હતા.
પીડિતના જણાવ્યા પ્રમાણે તેણે મંત્રીને રસ્તાની ખરાબ સ્થિતિ અને રસ્તાની સપાટી તૂટી રહી હોવાની બાબત બતાવી હતી. આ મુદ્દે વાતચીત દરમિયાન મંત્રી નારાજ થયા અને તેમના પર હાથ ઉઠાવ્યો હોવાનો યુવકે આક્ષેપ કર્યો હતો.
યુવકે વધુમાં દાવો કર્યો હતો કે મંત્રી સાથે રહેલા કેટલાક લોકોએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસ ઘટનાસ્થળે હાજર હોવા છતાં આ ઘટના બની હોવાનો પણ તેણે દાવો કર્યો હતો.
પીડિતે મંત્રી દ્વારા માફી માંગવાની સાથે જરૂરી શિસ્તભંગની કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેણે જણાવ્યું હતું કે, આ અંગે માત્ર આક્ષેપો કરવામાં આવી રહ્યા નથી, પરંતુ સમગ્ર ઘટનાના વીડિયો પુરાવા પણ ઉપલબ્ધ છે.
યુવકે વધુમાં જણાવ્યું હતું કે આ મામલે પોલીસમાં FIR નોંધાવવામાં આવી છે અને હવે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
