અવધ એક્સપ્રેસ l ઘોઘંબા
ઘોઘંબા તાલુકાના ચાંદાપૂરી ગામમાં તળાવમાં ડૂબી જવાથી એક યુવાનનું કરુણ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ચાંદાપૂરી ગામના રાજેશકુમાર અર્જુનસિંહ જાધવનું તળાવમાં ડૂબી જવાથી મોત થયાનું સામે આવ્યું છે.
મળતી વિગતો મુજબ રાજેશકુમાર પોતાની માતા ચંપાબેન, પિતા અર્જુનસિંહ જાધવ તથા આશરે ચાર વર્ષની પુત્રી જયશ્રીબેન સાથે અલગ રહેતા હતા. ગત રોજ બપોરના આશરે 3 વાગ્યાના અરસામાં તેઓ ગામના તળાવના કિનારે આવેલા બળિયાદેવ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા.
દરમિયાન ગત રોજ આકરી ગરમી અને ઉકળાટનો માહોલ હોવાથી ગરમીથી રાહત મેળવવા માટે રાજેશકુમાર તળાવમાં નહાવા પડ્યા હોવાની ચર્ચા છે. જોકે, તળાવના પાણીમાં ડૂબી જતાં તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
રાજેશકુમાર સાંજના આશરે 7 વાગ્યા સુધી ઘરે પરત ન ફરતાં માતાને ચિંતા થતાં તેમણે પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનોએ રાજેશકુમારની આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે, રાત પડી જતાં શોધખોળ અટકાવી પરિવારજનો ઘરે પરત ફર્યા હતા.
આજે વહેલી સવારે આશરે 7 વાગ્યાના અરસામાં પરિવારજનો ફરી રાજેશકુમારની શોધખોળ કરવા નીકળ્યા હતા. દરમિયાન ગામના તળાવ નજીક તેમના પગમાં પહેરવાના ચંપલ તથા શર્ટ મળી આવતાં રાજેશકુમાર તળાવમાં નાહવા જતા પાણીમાં ડૂબી ગયા હોવાની આશંકા વધુ પ્રબળ બની હતી.
પરિવારજનોએ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી તળાવમાં શોધખોળ હાથ ધરી હતી. લાંબી શોધખોળ બાદ આશરે સવારે 10 વાગ્યાના અરસામાં રાજેશકુમારનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો.
યુવાનનો મૃતદેહ મળી આવતાં પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી હતી. બનાવ અંગે રાજગઢ પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરી ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
* બળિયાદેવ મંદિરે દર્શન કરવા ગયેલા રાજેશકુમાર જાધવ સાંજ સુધી ઘરે ન ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી
* બીજા દિવસે ચંપલ અને શર્ટ તળાવ કિનારેથી મળ્યા બાદ ફાયરબ્રિગેડે હાથ ધરેલી શોધખોળમાં લાશ મળી આવી
