વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે ભારતના પ્રથમ નાગરીક રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના અધ્યક્ષસ્થાને ૭૫મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. આ ઐતિહાસિક સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી,ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, યુનિવર્સિટીના ચાન્સલર શુભાંગીની રાજે ગાયકવાડ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહ પ્રસંગે રાષ્ટ્રપતિએ પદવી તથા સુવર્ણચંદ્રક મેળવનારા તમામ વિદ્યાર્થીઓને, તેમના માતા-પિતા અને અધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ ખાસ કરીને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનારી દીકરીઓની નોંધપાત્ર સંખ્યાનો ઉલ્લેખ કરી તેને ‘બદલતા ભારતની ઉજ્જવળ તસવીર’ ગણાવી હતી અને દેશના સમતોલ વિકાસમાં મહિલા સશક્તિકરણની વ્યાપક ભૂમિકાને બિરદાવી હતી.
રાષ્ટ્રપતિએ મહારાજા સયાજીરાવ ગાયકવાડના દુરંદેશી વિઝન અને ૧૯૪૯માં સ્થપાયેલી આ ઐતિહાસિક યુનિવર્સિટીના ગૌરવશાળી યોગદાનને આદરપૂર્વક યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની પવિત્ર ભૂમિ વર્તમાન અને ભવિષ્યનો એક અદ્ભુત સમન્વય છે, જેણે દેશના સ્વતંત્રતા સંગ્રામ, સામાજિક સુધારા, સહકારિતા તેમજ ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રે સમગ્ર રાષ્ટ્રને નવી દિશા બતાવી છે.
રાષ્ટ્રપતિએ પદવી પ્રાપ્ત કરનાર યુવાવર્ગને જીવનના આ મહત્વપૂર્ણ પડાવ પર સ્વયં આત્મચિંતન કરવા આહ્વાન કર્યું હતું. તેમણે યુવાનોને પ્રશ્ન પૂછતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના પ્રાપ્ત કરેલા જ્ઞાન અને શિક્ષણનો ઉપયોગ માત્ર સ્વયં કે પોતાના પરિવાર પૂરતો મર્યાદિત રાખશે કે પછી સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે કરશે? જો યુવાનો પોતાના કાર્યક્ષેત્રમાં રાષ્ટ્ર અને સમાજના હિતને સર્વોપરી રાખશે, તો તેમની શિક્ષણયાત્રા સાચા અર્થમાં સાર્થક બનશે અને તેમને આંતરિક સંતોષ મળશે.
આજના આધુનિક અને ડિજિટલ યુગમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ટેકનોલોજી એક સાધન છે અને તેનો પ્રાથમિક હેતુ માનવ કલ્યાણ તેમજ લોકોના જીવનને સરળ બનાવવાનો હોવો જોઈએ. ટેકનોલોજી આપણને ડેટા અને ઉત્તરો આપી શકે છે, પરંતુ સાચા પ્રશ્નો પૂછવા, વિવેકપૂર્ણ નિર્ણયો લેવા અને નૈતિક દિશા નક્કી કરવી એ માનવીય બુદ્ધિમત્તાનું કાર્ય છે. તેમણે યુવાનોને સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા જેવા બંધારણીય મૂલ્યોને પોતાના જીવન અને વ્યાવસાયિક કાર્યમાં ઉતારવા અનુરોધ કર્યો હતો.
સમાજની જટિલ આધુનિક સમસ્યાઓના સર્વગ્રાહી ઉકેલ માટે રાષ્ટ્રપતિએ ‘આંતર-વિષયક દ્રષ્ટિકોણ’ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે દર્શાવ્યું કે, ક્લાયમેટ ચેન્જ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કમ્પ્યુટર સાયન્સ કે મેડિકલ સાયન્સ જેવા ક્ષેત્રો માત્ર એક વિષય પૂરતા મર્યાદિત નથી; તેના સચોટ ઉકેલ માટે વૈજ્ઞાનિક જિજ્ઞાસા, કલાત્મક વિઝન, ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની સંયુક્ત સમજ જરૂરી છે. તેમણે એમ.એસ. યુનિવર્સિટી વિજ્ઞાન, કળા, ચિકિત્સા, પત્રકારત્વ અને સામાજિક કાર્ય જેવા વિવિધ વિષયોનો સંગમ હોવાથી અહીંના વિદ્યાર્થીઓ આવા વૈશ્વિક પડકારોનો સચોટ ઉકેલ લાવી શકે છે તેવો વિશ્વાસ પણ આ તકે વ્યક્ત કર્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મએ વિદ્યાર્થીઓને જીવનમાં આવતી અડચણો અને નિષ્ફળતાઓ અંગે પ્રેરણા આપતા ઉમેર્યું હતું કે, નિષ્ફળતા એ અંત નથી પરંતુ ચિંતન કરીને વધુ મજબૂતીથી આગળ વધવાનો અવસર છે. સફળતાના શિખરે પહોંચતી વખતે યુવાનોએ પોતાના માતા-પિતા, શિક્ષકો અને સમાજના યોગદાનને ક્યારેય ભૂલવું ન જોઈએ. વિકાસની આ દોડમાં જે લોકો પાછળ રહી ગયા છે, તેમને સાથે લઈને આગળ વધવું એ જ સાચી સફળતા અને શ્રેષ્ઠ માનવતા છે.
રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દેશની યુવા શક્તિના સક્રિય પ્રયાસો અને ઊર્જાથી જ એક સમાન, સક્ષમ અને પ્રગતિશીલ ભારતના સ્વપ્નને સાકાર કરી શકાશે. સમગ્ર દેશ અને સરકાર યુવાનોની ક્ષમતા પર મોટી અપેક્ષા રાખી રહ્યા છે. તેમણે યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ ગુજરાત અને દેશના ઉજ્જવળ ભવિષ્યના ઘડતરમાં અગ્રણી યોગદાન આપે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા શિક્ષણની સાથે નૈતિક મૂલ્યો, શિસ્ત અને રાષ્ટ્રનિષ્ઠા કેળવવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, મહારાજાશ્રી સયાજીરાવ ગાયકવાડે તેમના સમયમાં લોકોનું જીવન સરળ અને સુખમય બને તે માટે શિક્ષણ ક્ષેત્રે અદ્ભુત કાર્ય કર્યું હતું. શિક્ષણ જગતમાં કોઈ પણ વિદ્યાપીઠના ૭૫ વર્ષ પૂર્ણ થવા અને અમૃત મહોત્સવ ઉજવવો એ આવનારી પેઢીઓના નિર્માણમાં સતત શ્રેષ્ઠ યોગદાન આપવાનું એક મોટું સૌભાગ્ય છે.
ડિગ્રી પ્રાપ્ત કરી વ્યવહારિક કાર્યક્ષેત્રમાં પ્રવેશતા યુવાનોને માર્ગદર્શન આપતા રાજ્યપાલએ ઉમેર્યું કે, શિક્ષિત અને અશિક્ષિત વ્યક્તિના વ્યવહાર તથા જીવનમાં સ્પષ્ટ તફાવત હોવો જોઈએ. પ્રાચીન ભારતની પરંપરા મુજબ શિક્ષિત વ્યક્તિ પાસેથી સમાજ અને પરિવાર પ્રત્યે જવાબદારીપૂર્ણ આચરણ તથા ‘રાષ્ટ્ર પ્રથમ’ ની ભાવનાની અપેક્ષા રાખવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના ‘આત્મનિર્ભર ભારત’ અને વર્ષ ૨૦૪૭ સુધીના ‘વિકસિત ભારત’ના સંકલ્પનો ઉલ્લેખ કરતા રાજ્યપાલએ યુવાનોને દેશના સાચા રાષ્ટ્ર નિર્માતા ગણાવતા આહ્વાન કર્યું હતું કે, યુવા પેઢીએ જવાબદારી સમજી દેશને પ્રગતિની નવી બુલંદીઓ પર લઈ જવા માટે સક્રિય યોગદાન આપવું પડશે. રાજ્યપાલશ્રીએ વર્તમાન સમયના સામાજિક અને પર્યાવરણીય પડકારો સામે યુવાનોને સંકલ્પબધ્ધ બનવા હાકલ કરી હતી.
પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિશ્રી શ્રીમતી દ્રોપદી મૂર્મુના વરદ હસ્તે ૩૦ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારોહ દરમિયાન ૨૨૯ પીએચ.ડી., ૨,૮૫૭ પીજી, ૬૫૭ પીજી ડિપ્લોમા અને ૮,૮૧૪ યુજી પદવીઓ મળી કુલ ૧૨,૫૫૭ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ હતી.
૭૫માં પદવીદાન સમારોહની શરૂઆતમાં યુનિવર્સિટીના ચાન્સલર શુભાંગીની રાજે ગાયકવાડે ૭૫મા પદવીદાન સમારોહને ખુલ્લો મૂકવાની વિધિવત જાહેરાત કરી ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉ. ભાલચંદ્ર ભનાગે દ્વારા યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા વડોદરા કલેક્ટર ડૉ. અનિલ ધામેલીયા, યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, રજિસ્ટ્રાર, ડીન, પરીક્ષા નિયામક, વિવિધ વિભાગોના વડાઓ, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

