અવધ એક્સપ્રેસ l લીમખેડા
એક તરફ ગુજરાત સરકાર રાજ્યના છેવાડાના ગામો સુધી પહોંચેલા સર્વાંગી વિકાસના દાવા કરી રહી છે, ત્યારે દાહોદ જિલ્લાના મુખ્ય તાલુકા મથક લીમખેડામાંથી તંત્રની પોલ ખોલતી અત્યંત શરમજનક અને સંવેદનહીન વાસ્તવિકતા સામે આવી છે. દેશની આઝાદીના 80મું વર્ષ ચાલી રહ્યું હોવા છતાં લીમખેડાના નાગરિકો માટે અંતિમ સંસ્કાર માટેનું એક સ્મશાન પણ સ્વપ્ન સમાન બની રહ્યું છે. તાલુકા મથક જેવા મહત્વના સ્થળે સ્મશાન જેવી પાયાની સુવિધા ન હોવાથી પ્રજાપતિ અને આદિવાસી સમાજ સહિત વિવિધ વર્ગના લોકોને સ્વજનના અવસાન બાદ હડફ નદીના પટમાં લાચારીભરી સ્થિતિમાં અગ્નિદાહ આપવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, સ્મશાન ન હોવા ઉપરાંત નદીના પટ સુધી પહોંચવા માટે કોઈ પાકો રસ્તો કે કન્વર્સન પણ નથી. સ્વજન ગુમાવી ચૂકેલા શોકાતુર પરિવારોએ નદીના ધારદાર પથ્થરો અને ખાડાટેકરાવાળા જોખમી માર્ગ પરથી લાકડાં તથા મૃતદેહ ખભે ઊંચકીને પસાર થવું પડે છે. વાહનો નદીના પટ સુધી જઈ શકતા ન હોવાથી અંતિમ યાત્રામાં જોડાતા લોકો માટે આ સ્થિતિ અતિશય પીડાદાયક બની જાય છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જ્યારે હડફ નદી બે કાંઠે વહેતી હોય ત્યારે નદીના પટમાં કોઈ ઓટલો કે શેડ ન હોવાથી લાકડાં પલળી જાય છે અને ધોધમાર વરસાદ વચ્ચે જીવના જોખમે અંતિમ સંસ્કાર પૂર્ણ કરવા પડે છે.
લીમખેડાના જાગૃત નાગરિકોએ સ્થાનિક ગ્રામ પંચાયતથી માંડીને તાલુકા-જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સુધી અસંખ્ય વખત લેખિત રજૂઆતો અને આવેદનપત્રો પાઠવ્યા છે. તેમ છતાં આજદિન સુધી માત્ર ઠાલાં આશ્વાસનો સિવાય કોઈ નક્કર કામગીરી જમીન પર દેખાઈ નથી. ચૂંટણી ટાણે મોટા મોટા વાયદા કરીને મત અંકે કરી લેતા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પરિણામ બાદ આ ગંભીર મુદ્દે રહસ્યમય મૌન સેવી લેતા હોવાનો ભારે રોષ સ્થાનિકોમાં ભભૂકી રહ્યો છે.

મૃત્યુ બાદ પણ સ્વજનને સન્માનપૂર્વક વિદાય ન આપી શકવાની આ વરવી વાસ્તવિકતાથી કંટાળેલા લીમખેડાના રહીશોમાં હવે ધીરજનો અંત આવ્યો છે. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય બજેટ ફાળવી સ્મશાન શેડ અને એપ્રોચ રોડનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર પંથકના લોકો રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન છેડશે. હવે જોવાનું એ રહે છે કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું વહીવટી તંત્ર ક્યારે જાગે છે અને પ્રજાને આ અમાનવીય યાતનામાંથી મુક્તિ અપાવે છે..
* તાલુકા મથક હોવા છતાં અંતિમ યાત્રા માટે પાકો રસ્તો પણ નથી; ચોમાસામાં વહેતા પાણીમાં જીવના જોખમે અંતિમ વિધિ કરવા મજબૂર બનતા શોકાતુર પરિવારો: વારંવારની રજૂઆતો છતાં નેતાઓ-તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં
