અવધ એક્સપ્રેસ | વડોદરા
વડોદરાના સેવાસી ખાતે આજે GUJARAT WOSH ૨૦૨૬ વર્લ્ડ ઓફ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામવિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર શ્રમિકોના આરોગ્ય અને સલામતી માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. દેશમાં લાગુ થયેલા નવા શ્રમ કાયદાઓ, બાંધકામ શ્રમિકો માટેની કલ્યાણકારી યોજનાઓ તેમજ ઈ-શ્રમ અને ઈ-નિર્માણ પોર્ટલના માધ્યમથી શ્રમિકોને સીધો લાભ પહોંચાડવા અને ઔદ્યોગિક અકસ્માતો ઘટાડવા માટે નક્કર પગલાં લેવાયા છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, કોઈ પણ રાજ્યનો સાચો વિકાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે ત્યાંના શ્રમિકો સલામત, સ્વસ્થ અને સન્માનિત હોય. અકસ્માત કે બીમારી માત્ર એક વ્યક્તિને નહીં, પરંતુ તેના સમગ્ર પરિવારને અસર કરે છે અને સાથે જ કંપનીની પ્રતિષ્ઠા તેમજ ઉત્પાદકતા પર પણ તેની ઊંડી અસર પડે છે. ગુજરાત આજે વીજ ઉત્પાદન, કેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ અને બંદર વિકાસનું અગ્રણી કેન્દ્ર બન્યું છે, જેમાં લાખો શ્રમિકોના પરસેવાનું બહુમૂલ્ય યોગદાન છે.
આ તકે મંત્રીએ ‘શૂન્ય અકસ્માત, સ્વસ્થ શ્રમિક અને સમૃદ્ધ ઉદ્યોગ’ના લક્ષ્ય સાથે સૌને સાથે મળીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમમાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડાયરેક્ટર પી. એસ. શાહે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં દેશના સૌથી વધુ ઔદ્યોગિક એકમો અને કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે, તેથી અકસ્માતો ઘટાડવા માટે સરકાર, સલામતી નિષ્ણાતો અને ઉદ્યોગોએ સાથે મળીને કામ કરવું અત્યંત જરૂરી છે. તેમણે આ બે દિવસીય પરિષદના વિવિધ ટેકનિકલ સત્રો દ્વારા મેળવેલ જ્ઞાન અને સૂચનોને અન્ય લોકો સુધી પહોંચાડીને કાર્યસ્થળની સલામતીને વધુ મજબૂત બનાવવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે SAMA સેફ્ટી કેલેન્ડર-૨૦૨૭નું વિમોચન તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીની સેફ્ટી વાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમ સ્થળે આયોજિત સેફ્ટી એક્સપોનું પણ ઉદ્ઘાટન કરાયું હતું. જ્યાં મંત્રી સહિત મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત રિફાઇનરીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બિપ્લવ બિશ્વાસ, સંયુક્ત નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વડોદરા, PHDCCIના સેક્રેટરી જનરલ ડૉ.રણજીત મહેતા, SAMAના પ્રેસિડેન્ટ મહેશ કુંડાળ, જોઈન્ટ ડાયરેક્ટર ડી. કે. વસાવા, નિલેશ દેસાઈ સહિત વિવિધ મહાનુભાવો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ અને વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
